

*મારી નગરપાલિકા સ્વચ્છ નગરપાલિકાના સંકલ્પ સાથે ગુજરાતને સ્વચ્છતામાં નંબર વન બનાવવા નગરપાલિકાના પદાધિકારીઓને આહવાન કરતા રાજયમંત્રી શ્રી દર્શનાબહેન વાઘેલા*
**********
*ગાંધીનગર ખાતે શહેરી વિકાસ રાજયમંત્રી શ્રી દર્શનાબહેન વાઘેલાની અધ્યક્ષતામાં ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમ ૨૦૨૬’ અંતર્ગત વર્કશોપ સંપન્ન*
*********
*રાજ્ય મંત્રીશ્રી દર્શનાબહેન વાઘેલા*
*- નાગરિકોમાં જાગૃતિ લાવવા અલગ-અલગ રંગના ડસ્ટબિન અને શેરી નાટકો જેવા નવતર પ્રયોગો અપનાવવા જોઈએ.”*
*- શહેરમાં ઉત્કૃષ્ટ સ્વચ્છતા હશે, તો જ મોટા બ્રિજ, આઇકોનિક રોડ કે બ્યુટીફિકેશનના કામો સાર્થક અને સુંદર દેખાશે.*
**********
ગાંધીનગર તા. ૧૦ જુલાઈ-
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રી દર્શનાબહેન વાઘેલાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમ ૨૦૨૬ અંતર્ગત ઉચ્ચ સ્તરીય વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ નવા ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમ ૨૦૨૬’ ના અસરકારક અમલીકરણ માટે અમદાવાદ ઝોનની વિવિધ નગરપાલિકાઓના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે ખાસ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, દરેક પદાધિકારીએ પોતાની નગરપાલિકાને રાજ્યમાં ‘શ્રેષ્ઠ નગરપાલિકા’ બનાવવા માટે મનથી સંકલ્પ કરવો જોઈએ. તેમણે સ્વચ્છતાને નગરપાલિકાની પ્રાથમિકતા ગણાવતા ભારપૂર્વક જણાવ્યું કે, મોટા બ્રિજ, આઇકોનિક રોડ કે તળાવોનું બ્યુટીફિકેશન ત્યારે જ સાર્થક અને સુંદર દેખાશે જ્યારે શહેરમાં ઉત્કૃષ્ટ સ્વચ્છતા હશે.
રાજ્ય મંત્રીશ્રીએ નગરપાલિકાઓને કચરાના વૈજ્ઞાનિક વર્ગીકરણ માટે દરેક ઘરે અલગ-અલગ રંગના ડસ્ટબિન આપવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે શેરી નાટકો જેવા નવતર પ્રયોગો કરવા સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભીનો, સૂકો, સેનિટરી અને પ્લાસ્ટિક કચરો અલગ કરવાથી ડમ્પ સાઇટ પર પ્રોસેસિંગ સરળ બનશે, જેનાથી કચરામાંથી ખાતર બનાવી શકાશે અને પ્લાસ્ટિકના રિસાયકલિંગ દ્વારા નગરપાલિકાઓ આર્થિક આવક પણ ઊભી કરી શકશે.
તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા અને ગુજરાતને સ્વચ્છતાના ક્ષેત્રે પણ દેશમાં નંબર વન બનાવવા માટે તમામ ટીમોને ૧૦૦% પ્રતિબદ્ધતા સાથે કામ કરવા આહવાન કર્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીએ ઉભરાતી ગટરો અને કચરાના ઢગલાઓથી થતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો સામે લોકોને સ્નેહથી સમજાવીને જનભાગીદારી વધારવા અપીલ કરી હતી. સાથે જ અધિકારીઓને પોતાના વિસ્તારની ડમ્પ સાઇટની રૂબરૂ મુલાકાત લેવા જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે આયોજિત ઘન કચરા વ્યવસ્થાપન વર્કશોપમાં અમદાવાદ ઝોનના આર.સી.એમ.શ્રી પુષ્પલતાએ સ્વાગત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાઓમાં સફાઈની કામગીરી માત્ર તંત્ર દ્વારા નહીં પરંતુ નાગરિકોની સામૂહિક જવાબદારી અને લોકભાગીદારી સાથે કરવું જોઈએ. આ પ્રસંગે તમામ પદાધિકારીઓ, ચીફ ઓફિસરો અને વોર્ડના સભ્યોને આગામી ૧૫ દિવસ કે મહિનામાં એકવાર ફરજિયાતપણે પોતાના વિસ્તારના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લેવા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ખાતર બનાવવાની પ્રક્રિયાને સમજવા તથા સોસાયટીઓમાં જઈને લોકોને રસોડાથી જ ભીનો-સૂકો કચરો અલગ કરવા માટે જાગૃત કરવા અપીલ કરાઈ હતી.
વર્કશોપ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમોના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત વિશ્લેષણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમા ભારતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એકરૂપ ઘન કચરા વ્યવસ્થાપન માળખા માટે કાર્યક્ષેત્ર, લાગુ પડતા વિસ્તાર અને મૂળભૂત વ્યાખ્યાઓ, કચરો ઉત્પન્ન કરનારાઓ, બલ્ક વેસ્ટ જનરેટર્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓ, કચરા પ્રક્રિયા સુવિધાઓ, ઘન કચરાનો પર્યાવરણીય રીતે યોગ્ય સંગ્રહ, પ્રક્રિયા, સંસાધન પુનઃપ્રાપ્તિ અને નિકાલ સુનિશ્ચિત કરવા માટે તકનીકી ધોરણો અને કાર્યકારી આવશ્યકતાઓ, ડિજિટલ મોનિટરિંગ, ફરજિયાત અહેવાલો, ઓડિટ, પર્યાવરણીય વળતર તથા કામગીરીના મૂલ્યાંકન દ્વારા સુશાસનને વધુ મજબૂત બનાવવા અંગે પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સાથે SWM નિયમો ૨૦૨૬ નું પાલન સુનિશ્ચિત કરવા માટે સરકારના ત્રણ સ્તરોમાં ફરજો, અધિકૃતતા, નોંધણી, નિરીક્ષણ અને અમલીકરણ માટે નિયમનકારી માળખું સ્થાપિત કરવા વિશે વધુ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. કચરાના નિકાલની પ્રક્રિયા પારદર્શક બને તે માટે ફરજિયાત કરવામાં આવેલી ડિજિટલ ટ્રેકિંગ અને ઓડિટ પદ્ધતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
આ વર્કશોપમાં અમદાવાદ ઝોનની નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરો તેમજ સેનિટરી ઈન્સ્પેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
**********
HITESH PATEL
GANDHINAGAR