

ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિની સ્થિતિને પહોંચી વળવા પોઇચા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સફળ મોકડ્રીલ યોજાઈ
મોકડ્રીલ દરમિયાન 7 નાગરિકો ઊંડા પાણીમાં ફસાઈ જતાં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયાં
ત્રિવેણી ઘાટ વિસ્તારમાં પૂરનો સિનારિયો સર્જી વિવિધ વિભાગોએ સંકલિત બચાવ અને રાહત કામગીરીનું કર્યું જીવંત પ્રદર્શન
ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ત્વરિત, સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર ગંગાસિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઇચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની સફળ મોકડ્રીલ યોજાઈ હતી.
મોકડ્રીલના સિનારિયો મુજબ નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ત્રિવેણી ઘાટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વચેતવણી જાહેર કરી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) સક્રિય કરવામાં આવ્યું હતું અને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.
મોકડ્રીલ દરમિયાન નદીના પાણીના પ્રવાહમાં વધારો થતાં 7 નાગરિકો પાણીમાં ફસાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ, એસડીઆરએફ, પોલીસ, આરોગ્ય વિભાગ અને આપદા મિત્રોની ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. રસ્સા, રબર બોટ સહિતના બચાવ સાધનોની મદદથી તમામ 7 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બચાવાયેલા તમામ નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે ભીડ નિયંત્રણ, નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તેમજ રેસ્ક્યુ ટીમના વાહનોની અવરજવર સરળ રહે તે માટે માર્ગ વ્યવસ્થા સંભાળી હતી.
મોકડ્રીલ દરમિયાન નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌરે સમગ્ર બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને આપત્તિના સમયે વધુ અસરકારક પ્રતિસાદ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ મોકડ્રીલમાં જિલ્લા આરોગ્ય વિભાગ, એસડીઆરએફ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપળા નગરપાલિકાનો ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો તેમજ વિવિધ વિભાગોએ સંકલિત બચાવ અને રાહત કામગીરીનું સફળ પ્રદર્શન કર્યું હતું.
રિપોર્ટ… ભાઈલાલભાઈ બારીયા
નર્મદા