*ગાંધીનગર જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા.૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન પરિવાર નિયોજન મહા-અભિયાન યોજાશે*
*******
*ગાંધીનગર જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો પર પરિવાર કલ્યાણ સેવાઓ તદ્દન નિ:શુલ્ક મળશે*
********
*આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત અને નિ: શુલ્ક તબીબી પરામર્શ અપાશે*
********
ગાંધીનગર તા.૧૦ જુલાઈ – ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન ‘વિશ્વ વસ્તી દિવસ’ની વિશેષ ઉજવણીના ભાગરૂપે ‘પરિવાર કલ્યાણ પખવાડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સઘન અભિયાનનો મુખ્ય આશય સમાજમાં પરિવાર નિયોજન અંગે જાગૃતિ લાવવી, માતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવું, દંપતીઓને ઉચ્ચ ગુણવત્તાસભર પરિવાર કલ્યાણ સેવાઓ પૂરી પાડવી તેમજ જવાબદાર માતા-પિતૃત્વની ભાવના કેળવવાનો છે.
આ વર્ષની ઉજવણીને સાર્થક કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સમૃદ્ધ પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન”નું વિશેષ સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ નૂતન સૂત્રને સાકાર કરવા માટે ગાંધીનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો, આરોગ્ય ઉપકેન્દ્રો તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
પખવાડિયા દરમિયાન આશા બહેનો, એ.એન.એમ., એમ.પી.એચ.ડબલ્યુ. સહિતના પાયાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા દંપતીઓનો રૂબરૂ સંપર્ક કરવામાં આવશે. તેઓને પરિવાર નિયોજનના વિવિધ આધુનિક સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ વિશે વૈજ્ઞાનિક અને તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત ઘર-ઘર મુલાકાતો, દંપતી પરામર્શ, આરોગ્ય શિક્ષણ, સમુદાય બેઠકો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાનું અને સુખી પરિવાર, સુરક્ષિત માતૃત્વ તથા જવાબદાર માતા-પિતૃત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવશે.
આ મહા-અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, અંતરા ઇન્જેક્શન, છાયા ગોળી, ગર્ભનિરોધક ગોળીઓ સહિતની તમામ પરિવાર નિયોજન સેવાઓ અને સાધનો નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ, દરેક આરોગ્ય સંસ્થા પર તબીબી નિષ્ણાતો દ્વારા લાભાર્થીઓની જરૂરિયાત અને ઈચ્છા અનુસાર યોગ્ય પદ્ધતિની પસંદગી કરવા માટે વ્યક્તિગત પરામર્શ પણ આપવામાં આવશે.
લોકોમાં પ્રજનન આરોગ્ય અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે આરોગ્ય સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ આકર્ષક બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ, અવેરનેસ રેલીઓ, આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો અને ખાસ ગામસભાઓનું આયોજન કરવામાં આવશે.
ગાંધીનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. જે. વૈષ્ણવ દ્વારા જિલ્લાની તમામ જનતાને આ પખવાડિયા દરમિયાન ઉપલબ્ધ તમામ કુટુંબ કલ્યાણ સેવાઓનો મહત્તમ લાભ લેવા અને નાના તેમજ સુખી પરિવારના સંકલ્પને સાકાર કરવા અપીલ કરવામાં આવી છે.
********
HITESH PATEL
GANDHINAGAR