

*ડાંગમાં ટેલિકોમ અને ડિજિટલ કનેક્ટિવિટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર : આહવા, ડાંગ*
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને તથા DoT ગુજરાત LSAના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી આશિષ ઠાકરની ઉપસ્થિતિમાં જિલ્લામાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કનેક્ટિવિટીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં જણાવાયું કે કેન્દ્ર સરકારના 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ડાંગ જિલ્લામાં મંજૂર 63માંથી 57 મોબાઈલ ટાવર કાર્યરત થઈ ચૂક્યા છે. આ તમામ ટાવર સ્વદેશી ટેકનોલોજી અને સોલાર પાવર આધારિત છે. જૂન-2026 દરમિયાન ડાંગ જિલ્લામાં સૌથી વધુ વોઈસ ટ્રાફિક અને ડેટા વપરાશ નોંધાતા રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના તમામ 71 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર દ્વારા જોડવામાં આવી છે. ડિજિટલ સેવાઓના શ્રેષ્ઠ ઉપયોગ બદલ ગુજરાતમાં પ્રથમ ક્રમે રહેલી વઘઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સિંધુબેન મોહનભાઈ ભોયેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટર શ્રી એન.ડી. પરમારે બાકી રહેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ કરી જિલ્લાના તમામ વિસ્તારોમાં મજબૂત અને વિશ્વસનીય ડિજિટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.