ગાંધીનગર જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરાશે
મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા દિન-વિશેષ મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન
સંબંધિત તમામ અધિકારીઓને વિશેષ આયોજન અને અમલીકરણ અંગે કલેક્ટરશ્રીએ આપ્યું માર્ગદર્શન
****
ગાંધીનગર તા.૨૨ જુલાઈ –
ગાંધીનગર જિલ્લામાં મહિલાઓના સામાજિક, આર્થિક, માનસિક તેમજ આરોગ્ય વિષયક સશક્તિકરણ માટે અને સમાજમાં તેઓ ગૌરવભેર આગળ વધે તે હેતુથી આગામી તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૦૮/૦૮/૨૦૨૬ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સુચારુ આયોજન અને અમલીકરણ અર્થે ગાંધીનગર કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે આયોજન બેઠક યોજી જરૂરી દિશાનિર્દેશો અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.
બેઠકમાં કલેક્ટરશ્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સપ્તાહ દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ આધારીત કાર્યક્રમોના આયોજન વિશે ચર્ચા કરી હતી. જે અંતર્ગત જિલ્લાના સંબંધિત અધિકારીઓને આયોજનની આખરી રૂપરેખા તૈયાર કરી વિશેષ નવીન કાર્યક્રમો અને નવીન મહિલાલક્ષી આયોજનો અંગે સૂચન કરવામાં આવ્યા હતા.
“નારી વંદન સપ્તાહ” દરમિયાન તા. ૦૧/૦૮/૨૦૨૬ના રોજ મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત મહિલા સુરક્ષા રેલી, SHE-Team અંગે જાગૃતિ, સેલ્ફ ડિફેન્સ, સાયબર સિક્યુરિટી અને ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાશે. તા. ૦૩/૦૮/૨૦૨૬ના રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ નિમિત્તે કિશોરીઓ, શાળાના બાળકો અને વાલીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષય પર સંવાદ, PC-PNDT એક્ટ જાગૃતિ, ગૂડ ટચ-બેડ ટચ તથા પોક્સો એક્ટ અંગે માહિતી, દીકરી વધામણા કીટ તથા વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાશે.
મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે તા. ૦૪/૦૮/૨૦૨૬ના રોજ મહિલાઓ માટે સ્વરોજગાર મેળાઓ, સખી મંડળો અને મહિલા સહકારી મંડળીઓનું સંકલન, મહિલાલક્ષી યોજનાઓની માહિતી, શ્રમજીવી મહિલાઓના અધિકારો અંગે જાગૃતિ સેમિનાર અને જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણીમાં બાલિકા પંચાયતના સરપંચશ્રીઓ અને સભ્યો સાથે સંવાદ, વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલાઓનું જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સન્માન કરાશે.
મહિલા કર્મયોગી દિવસ તા. ૦૬/૦૮/૨૦૨૬ના રોજ સરકારી અને બિન-સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓ માટે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” અંગે જાગૃતિ સેમિનાર, વર્ક-લાઇફ બેલેન્સ, માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક ફરિયાદ સમિતિના સભ્યો સાથે કાર્યશાળા યોજાશે. આ સાથે તા. ૦૭/૦૮/૨૦૨૬ મહિલા કલ્યાણ દિવસના રોજ કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ, મહિલા ITI/કૌશલ્ય વર્ધન કેન્દ્રો અંગે માર્ગદર્શન, વિવિધ હેલ્પલાઇન નંબરની કામગીરીનું ડેમોસ્ટ્રેશન અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓનું જાહેર સન્માન કરવામાં આવશે.
તા. ૦૮/૦૮/૨૦૨૬ મહિલા અને બાળ આરોગ્ય દિવસ અંતર્ગત જિલ્લામાં કિશોરી મેળાઓ, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, પોષણક્ષમ વાનગી નિદર્શન અને મહિલાઓ માટે યોગ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિલોફર શેખ, પોલીસ વિભાગ, જિલ્લા પંચાયતના આરોગ્ય, શિક્ષણ, શ્રમ અને રોજગાર, આઈ.સી.ડી.એસ. તેમજ રમત-ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Hitesh patel