

*ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્યલક્ષી બેઠકો યોજાઈ :*
–
*કલેકટર શ્રી એન. ડી. પરમારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અસરકારક કાઉન્સેલિંગ અને ટ્રેકિંગ ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની કરી હિમાયત :*
–
*જન્મનાં દાખલાઓમાં ચોક્કસઈ જાળળવવા સાથે જન્મ અને મૃત્યુ દરની સમીક્ષા કરી હતી :*
*રિપોર્ટર ઝાકિર ઝંકાર આહવા ડાંગ*
તા: ૨૪: ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને માતા અને બાળ મૃત્યુના કેસો ના થાય તે માટે પુર્ણ તકેદારી રાખવા, સાથે બની ગયેલ કેસો માંથી શિખ મેળવી અપમૃત્યુના કેસો ના બને તે માટે તંત્રએ સજ્જ રહેવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને અસરકારક કાઉન્સેલિંગ અને ટ્રેકિંગ ઉપર વધુ લક્ષ કેન્દ્રિત કરવાની, ડાંગ કલેકટર શ્રી એન. ડી. પરમારે હિમાયત કરી છે.
જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આરોગ્ય વિભાગની શ્રેણીબદ્ધ બેઠકોમાં જુદી જુદી કામગીરીઓની સૂક્ષ્મ છણાવટ કરતા કલેક્ટર શ્રી એન. ડી. પરમારે ગ્રામ્ય વિસ્તારોમાં માતાઓને આરોગ્યપ્રદ અને સ્વચ્છ જીવનશૈલી મળે તેનુ વિશેષ ધ્યાન રાખવા અંગે આરોગ્ય કર્મીઓને જણાવ્યું હતું. આ સાથે બાળકોના જન્મ વખતે નોંધણી કરવામાં આવતાં પ્રમાણપત્રમાં ચોકસાઈ જાળવવા અંગે ખાસ ભાર મુક્યો હતો.
આ ઉપરાંત માતા અને બાળ મૃત્યુ દરમાંના કેસોમાં ચોક્ક્સ કારણ જાણવું તમામ પાસાઓ જાણી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે લોકોમાં ભય ફેલાવ્યા વગર જાગૃતતા ફેલાવવા અંગે કલેક્ટરશ્રીએ આરોગ્ય કર્મીઓને હિમાયત કરી હતી. સાથે જ અમુક જોખમી કેસોમાં પરસ્પર સંકલન અને સહયોગ સાથે ૧૦૮ની સેવાનો મહત્તમ લાભ લઇ, અમૂલ્ય માનવ જીવન બચાવવાની અપીલ કરી હતી.
આ ઉપરાંત સ્થાનિક લોકોની જરૂરીયાત મુજબ દર્દીઓને દવાઓ પુરી પાડવા માટે ઉપલબ્ધ જથ્થા સાથે જરૂરી તમામ દવાઓ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
ચોમાસાનાં જૂન અને જૂલાઈ મહિના દરમિયાન જિલ્લામાં સ્નેક બાઈટનાં કુલ ૧૦૬ જેટલાં કેસો સામે આવ્યાં છે. ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવા સાથે તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવાં લોકોને માહિતી આપવા અંગે જણાવ્યું હતું. સ્નેક બાઈટનાં કારણે એક પણ મૃત્યુ નોંધાયેલ નથી.
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત જિલ્લાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ કમિટિ, ક્વોલિટી મેનેજમેન્ટ, ટી.બી.ફોરમ, આરસીએચ અને એનએચએમ પ્રોગ્રામ, રસીકરણ કાર્યક્રમ, કુટુંબ નિયોજન, કુપોષણ, રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ, વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો, અન્ધત્વ નિવારણ કાર્યક્રમ, હિપેટાઇટિસ બી અને સી, સંચારી રોગ, અને સિકલસેલ કાર્યક્રમ જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર સંભાળતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિતે, જિલ્લાની આરોગ્યલક્ષી બાબતોથી સમિતિ અધ્યક્ષશ્રી તથા સભ્યોને વાકેફ કર્યા હતા. અસરકારક સેવા સુશ્રુષાની પ્રતિબદ્ધતા સાથે ડો.ગામિતે, જિલ્લાના આરોગ્યકર્મીઓને પૂર્ણ સંવેદના સાથે પ્રજાજનોના આરોગ્યની દેખભાળ કરવાની અપીલ કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરશ્રીનાં ગ્રામ્ય મુલાકાત દરમિયાન ફરજીયાત પોતાના કાર્ય વિસ્તારમા રહેવા જણાવ્યું હતું.
બેઠકમાં ડાંગ જિલ્લાનાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.મયુર પરમાર સહિત સમિતિના સભ્યો, સંબંધિત વિભાગોના અધિકારીઓ, અને આશા થી લઇ એમ.ઓ. સુધીના આરોગ્યકર્મીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, સિવિલ સત્તાવાળાઓ વિગેરેએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.
–