

*આહવામાં વિશ્વ આદિવાસી દિવસની અનોખી ઉજવણી: સ્વચ્છતા અભિયાન બાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના આહવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આહવા એસ.ટી. ડેપો ખાતે આહવા ગ્રામ પંચાયતના ઈનચાર્જ સરપંચ શ્રી હરીરામ સાવંત, વોર્ડના સભ્યો, એસ.ટી. ડેપોના મેનેજર તથા સ્ટાફ તેમજ સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને માત્ર કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુથી એસ.ટી. ડેપો પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી. અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામ પંચાયતના ઈનચાર્જ સરપંચ શ્રી હરીરામ સાવંત તથા પ્રતિનિધિઓએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણા આપી હતી.
સ્વચ્છતા અભિયાન પૂર્ણ કર્યા બાદ સૌ આગેવાનો અને કર્મચારીઓ આદિવાસી સમાજના મહાન નાયક તથા પ્રેરણાસ્ત્રોત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચ્યા હતા. ત્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે સ્વચ્છ અને સુંદર સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત, એસ.ટી. ડેપો અને સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી.