

*ડાંગમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી*
*રિપોર્ટર: ઝાકિર, ઝંકાર આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના આહવામા , તા. 14: ભારતના ઈતિહાસમાં 1947ના ભારત-પાકિસ્તાનના વિભાજન દરમિયાન થયેલી ઘટનાઓ અને તેના કારણે સર્જાયેલી વેદનાને યાદ કરવા માટે 14 ઓગસ્ટના રોજ **ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’**ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સુરતના પૂર્વ મેયર હેમલીબેન બોઘાવાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગામીત, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પ્રભારી રાજેશ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામીત સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વર્ષ 1947માં થયેલા ભારતના વિભાજન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વિભાજન દરમિયાન લાખો લોકોના જીવન પર ગંભીર અસર પડી હતી અને અનેક પરિવારોને પોતાના ઘર-વતન છોડવાની ફરજ પડી હતી.
વક્તાઓએ જણાવ્યું હતું કે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’નો હેતુ વિભાજન દરમિયાન ભોગવવી પડેલી પીડાને યાદ કરવો તેમજ આવનારી પેઢીને દેશના ઈતિહાસ અને એકતાનું મહત્વ સમજાવવાનો છે. કાર્યક્રમમાં દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.