

*ભેંસકાતરીમાં વરસાદ વચ્ચે ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ*
–
*દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું સમગ્ર વાતાવરણ*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા: તા.૧૪: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩/૮/૨૦૨૬ના રોજ વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દેશભક્તિ સભર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરપંચ શ્રી મિતેશભાઈ ગામીત, ઉપસરપંચ શ્રી જયરામભાઈ પવાર તથા શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ ગાવિતની આગેવાની હેઠળ યોજાયેલી આ રેલીમાં ICDS તથા વર્લ્ડ વિઝન ઇન્ડિયાનો સહયોગ મળ્યો હતો.
ભેંસકાતરી પ્રાથમિક શાળાથી પ્રારંભ થયેલી રેલીમાં શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ઉપરાંત ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા અને દેશભક્તિના નારા લગાવતા સહભાગીઓના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
વરસતા વરસાદની વચ્ચે પણ રેલીમાં જોડાયેલા બાળકો, શિક્ષકો અને ગ્રામજનોનો ઉત્સાહ અડીખમ રહ્યો હતો.
“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરતી આ રેલી ભેંસકાતરી પ્રાથમિક શાળાથી નીકળી પંચાયત કચેરી સુધી આશરે એક કિલોમીટરનો માર્ગ કાપીને પુનઃ સરકારી શાળા ખાતે પરત ફરી હતી.
રેલી પૂર્ણ થયા બાદ સરપંચ શ્રી મિતેશભાઈ ગામીતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વરસાદી માહોલમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી સાથે યોજાયેલી આ રેલી દ્વારા ભેંસકાતરી ગામમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસર્યો હતો.
–