

*‘હર ઘર તિરંગા’ ઝુંબેશ- ૨૦૨૬ અન્વયે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ આહવાની નાટ્યધારા દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરાઇ :*
–
*રિપોર્ટર; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા: તા: ૧૪: ભારત સરકારની ‘હર ઘર તિરંગા’ ઝુંબેશના સફળ અમલીકરણ માટે શિક્ષણ વિભાગ,ગુજરાત સરકારના આદેશ અન્વયે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ આહવા-ડાંગ ખાતે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરની ભાવના વિકસે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ ‘હર ઘર તિરંગા ઝુંબેશ’ અન્વયે આચાર્યશ્રી ડો.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ કોલેજની સપ્તધારા પૈકી નાટ્યધારા દ્વારા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં નાટ્યધારાના અધ્યક્ષ ડો.સિદ્ધાર્થ મસ્કેએ પ્રાસંગિક ઉદ્બોધન તેઓએ બ્રિટીશ કાળના અખંડ ભારતના વિભાજનનો વિગતવાર ઈતિહાસ અને તે સમયે સર્જાયેલી કરૂણાંતિકાનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો. ત્યારબાદ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિભાજન વિભીષિકા પર આધારિત નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નાટક દ્વારા ભારતના વિભાજન સમયે થયેલા સ્થળાંતર, વિખૂટા પડેલા પરિવારો, માનવીય વેદના અને સંઘર્ષની કરુણ ગાથાને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. આ નાટ્ય પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓએ એ સંદેશ આપ્યો કે ઇતિહાસની કરુણ ઘટનાઓને માત્ર યાદ કરવી પૂરતી નથી, પરંતુ તેમાંથી બોધ લઈને દ્વેષ, હિંસા અને વિભાજનકારી વલણોથી દૂર રહીને શાંતિ, સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી જરૂરી છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ અને હૃદયસ્પર્શી પરિસ્થિતિઓને સ્મરણ કરી, તે સમયગાળામાં પીડિત બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો તેમજ નવી પેઢીમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ભાઈચારો અને માનવતાની ભાવના મજબૂત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિભાજન વિભીષિકાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા તથા સામાજિક સમરસતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી.
–