*કાળા પાટિયાથી મોટી ટીવી સ્ક્રીન સુધી: ડાંગની 75 માધ્યમિક શાળાઓમાં ડિજિટલ શિક્ષણની નવી પહેલ*
*ટેક્નોલોજીના માધ્યમથી ભણતર બનશે વધુ રસપ્રદ અને સરળ, અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણનો લાભ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ: ટેક્નોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે પણ આધુનિક પદ્ધતિઓનો વ્યાપ વધી રહ્યો છે. ડાંગ જિલ્લામાં હવે પરંપરાગત કાળા પાટિયાના સ્થાને મોટી ટીવી સ્ક્રીનના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની નવી પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના 75 માધ્યમિક શાળાઓમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ પહેલ અંતર્ગત વર્ગખંડમાં મોટી ટીવી સ્ક્રીનના માધ્યમથી શૈક્ષણિક વીડિયો, ચિત્રો, પ્રેઝન્ટેશન સહિતની ડિજિટલ સામગ્રી વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવી રહી છે. જેના કારણે ભણતર માત્ર પુસ્તક અને બ્લેકબોર્ડ પૂરતું ન રહેતા વધુ દૃશ્યમાન, રસપ્રદ અને સમજણસભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ખાસ કરીને વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં ડિજિટલ માધ્યમથી વિવિધ ઉદાહરણો અને શૈક્ષણિક વીડિયો રજૂ કરી વિદ્યાર્થીઓને વિષયને સરળતાથી સમજાવવામાં મદદ મળી શકે છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓની વર્ગખંડમાં ભાગીદારી અને અભ્યાસ પ્રત્યેની રૂચિ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીએ શું કહ્યું?
ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આજના ટેક્નોલોજીના યુગમાં શિક્ષણ સાથે ડિજિટલ માધ્યમને જોડવું જરૂરી બન્યું છે. મોટી ટીવી સ્ક્રીન દ્વારા વિદ્યાર્થીઓને વિષય સાથે સંકળાયેલી શૈક્ષણિક સામગ્રી બતાવવામાં આવે તો તેમને વાત વધુ સરળતાથી સમજાય છે અને ભણતર પણ રસપ્રદ બને છે.
તેમણે જણાવ્યું કે ડાંગની 75 માધ્યમિક શાળાઓમાં આ પ્રકારની ડિજિટલ સુવિધા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ડાંગ જેવા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આધુનિક શિક્ષણ પદ્ધતિનો લાભ મેળવી શકે.
શિક્ષકોને પણ ડિજિટલ સાધનોનો અસરકારક ઉપયોગ કરીને પાઠ્યક્રમને વધુ સરળ અને સમજણસભર રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થકી વિદ્યાર્થીઓમાં વિષયની સમજણ વધે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.
ડાંગ જેવા ભૌગોલિક રીતે અંતરિયાળ જિલ્લામાં કાળા પાટિયાથી મોટી ટીવી સ્ક્રીન સુધીની આ સફર શિક્ષણ ક્ષેત્રે બદલાવની શરૂઆત માનવામાં આવી રહી છે. હવે ડિજિટલ શિક્ષણની આ પહેલ વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામોમાં કેટલો સકારાત્મક ફેરફાર લાવે છે, તે આગામી સમયમાં જોવાનું રહેશે.