સીતા વન મામલે આદિવાસી સમાજનું કલેક્ટરને આવેદનપત્ર, મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
રિપોર્ટર: ઝાકિર ઝંકાર , ડાંગ આહવા
ડાંગ: સુબીર તાલુકાના ગારખડી નજીક ઝરી ગામ પાસે આવેલા પવિત્ર સીતા વન ખાતે માતા સીતા, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને હનુમાન દાદાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને આદિવાસી સમાજમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રની નકલમાં ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સીતા વન સ્થાનિક આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા, સંસ્કૃતિ અને અસ્મિતા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું પવિત્ર સ્થળ છે. અહીં ધાર્મિક પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ પૂજા-અર્ચના, ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરે છે.
મૂર્તિ ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ વિભાગ મારફતે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા મૂર્તિઓ ખંડિત કરનાર જવાબદાર વ્યક્તિઓ કે તત્વોને વહેલી તકે શોધી તેમના વિરુદ્ધ લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
જંગલના નાશ અને વૃક્ષછેદન અંગે પણ તપાસની માંગ
માત્ર મૂર્તિ ખંડિત કરવાની ઘટના જ નહીં, પરંતુ સીતા વન વિસ્તારમાં થઈ રહેલા વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે પણ આવેદનપત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું કટીંગ અને જંગલનો નાશ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
આ ઉપરાંત, સીતા વનને સ્થાનિક લોકો માત્ર જંગલ વિસ્તાર તરીકે નહીં પરંતુ ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી વારસાના મહત્વપૂર્ણ સ્થળ તરીકે જુએ છે. આવેદનપત્રમાં વિસ્તારની વનસ્પતિ, જૈવવિવિધતા અને કુદરતી વારસાનું યોગ્ય સંરક્ષણ કરવા પણ માંગ કરવામાં આવી છે
સીતા વનના વિકાસ માટે પાંચ મુખ્ય માંગણીઓ
આવેદનપત્રમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી છે:
મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે.
જવાબદાર અસામાજિક તત્વોને શોધી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.
સીતા વનમાં ધાર્મિક આસ્થા અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
સીતા વન વિસ્તારમાં થઈ રહેલા વૃક્ષછેદન અને જંગલના નાશ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે.
ગેરકાયદેસર વૃક્ષછેદન થતું હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સીતા વનને લઈને સ્થાનિક સમાજની આસ્થા અને પર્યાવરણ બંનેનું રક્ષણ થાય તથા વિસ્તારનો ધાર્મિક-સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અગાઉના અહેવાલોમાં પણ આ ઘટનાને લઈને 31 ઓગસ્ટે કલેક્ટર કચેરીએ આવેદન આપવાની વાત સામે આવી હતી.