

*ડાંગમાં PC-PNDT એક્ટ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક*
*સોનોગ્રાફી સેન્ટરોમાં દસ્તાવેજીકરણની ચકાસણી અને કાયદાના ચુસ્ત અમલની તાકીદ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર, ડાંગ-આહવા*
આહવા: ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષસ્થાને PC-PNDT એક્ટ-1994 અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ અંગે વિવિધ દરખાસ્તોની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન આહવા જનરલ હોસ્પિટલના ડૉ. ધારા પટેલ તથા વઘઈ CHCના ડૉ. દિપ્તી ગામીતને સોનોગ્રાફી મશીન વાપરવાની મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે સાકરપાતળની બ્લુ-બ્લડ હોસ્પિટલના ડૉ. જિજ્ઞાસા પટેલને દર ગુરુવારે તથા આહવા જનરલ હોસ્પિટલના ડૉ. ગેલાભાઈ જોગરાજિયાને ફુલટાઈમ સોનોગ્રાફી મશીન વાપરવાની મંજૂરીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ. એમ. ગામીતે તાલુકા આરોગ્ય અધિકારીઓને PC-PNDT એક્ટ હેઠળના રજિસ્ટર, રિપોર્ટ, સોનોગ્રાફી પ્લેટ સહિતના દસ્તાવેજોની નિયમિત અને ઝીણવટપૂર્વક ચકાસણી કરવા તેમજ કાયદાના નિયમોના ઉલ્લંઘન સામે તકેદારી રાખવા સૂચના આપી હતી.