

*આહવા ગ્રામ પંચાયત ફરી એક્શન મોડમાં: રસ્તા પર રખડતા 100થી વધુ ઢોરો રંગ ઉપવન કમ્પાઉન્ડમાં પૂરાયા*
*અકસ્મારો અટકાવવા પંચાયતની કાર્યવાહી, ઢોરો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં રસ્તાઓ પર રખડતા ઢોરોના મુદ્દે આહવા ગ્રામ પંચાયત ફરી એક્શનમાં આવી છે. રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી તેમજ અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પંચાયત દ્વારા ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આહવા ગ્રામ પંચાયતના ઈનચાર્જ સરપંચ હરીરામ સાવંતની આગેવાની હેઠળ ગઈકાલે સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ રખડતા ઢોરોને ફરી પકડીને રંગ ઉપવનના મેદાનમાં રાખવામાં આવ્યા હતા. ઢોરોને રાખવામાં આવ્યા બાદ તેમના માટે ગ્રામ પંચાયત દ્વારા ઘાસચારા અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રામજનો દ્વારા લાંબા સમયથી રસ્તાઓ પર રખડતા ઢોરોના કારણે અકસ્માતો સર્જાતા હોવાની ફરિયાદો કરવામાં આવી રહી હતી. ખાસ કરીને રસ્તાઓ અને જાહેર સ્થળોએ ઢોરોના ટોળા જોવા મળતા હોવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ હતી.
પંચાયતના જણાવ્યા મુજબ, પકડાયેલા ઢોરોના માલિકો પોતાના ઢોરને પરત લેવા માટે આવે તો નિયમ મુજબ દંડ વસૂલ કરીને ઢોર પરત સોંપવામાં આવશે. જ્યારે ઢોરના માલિકો તેને લેવા માટે નહીં આવે તો આગળની કાર્યવાહી હેઠળ આવા ઢોરોને પાંજરાપોળમાં મોકલવામાં આવશે.
આહવા ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરો સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવતા હવે રસ્તાઓ પર રખડતા ઢોરોની સમસ્યામાં ઘટાડો થાય અને અકસ્માતો અટકે તેવી આશા ગ્રામજનોમાં જોવા મળી રહી છે.