

*આહવા સ્મશાનગૃહની કફોડી હાલત, સ્લેબના સળિયા ખુલ્લા*
*ચોમાસામાં રસ્તો ધોવાઈ જતા અંતિમયાત્રા પણ મુશ્કેલ; ગ્રામજનોની કાયમી રસ્તાની માંગ*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
આહવા ખાતે આવેલું સ્મશાનગૃહ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્મશાનગૃહના સ્લેબના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે સલામતી સામે સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, સ્મશાન સુધીનો રસ્તો દર ચોમાસામાં ધોવાઈ જતો હોવાથી લાકડાની ગાડી સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે. વરસાદ દરમિયાન મૃતદેહને પગપાળા લઈ જવામાં પણ પરિવારજનોને હાલાકી ભોગવવી પડે છે.
ગ્રામજનોની માંગ છે કે *દર વર્ષે કામચલાઉ મરામત કરવાને બદલે એક વખત કાયમી રસ્તો બનાવવામાં આવે.* રસ્તાના ઢાળવાળા ભાગમાં સ્ટેપ બાય સ્ટેપ ધક્કાની દિવાલ, લોખંડની જાળી અને તાર ફેન્સિંગ બનાવી રસ્તાને મજબૂત કરવામાં આવે.
સ્થાનિકોએ સ્મશાનગૃહનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી જર્જરિત સ્લેબનું સમારકામ તથા રસ્તાનું કાયમી ધોરણે નવીનીકરણ કરવાની માંગ કરી છે.