

*શામગહાનના ચૌહાણ ફળિયામાં મીની પાઈપલાઈનના કામ સામે સવાલો*
*ઓછી ગુણવત્તાના મટીરિયલના ઉપયોગના આક્ષેપો વચ્ચે ટાંકી માટે બનાવેલું સ્ટ્રક્ચર તૂટ્યું, સ્થળ તપાસની સ્થાનિકોની માંગ*
*રિપોર્ટર:- ઝાકિર ઝંકાર, ડાંગ (શામગહાન)*
ડાંગ જિલ્લાના શામગહાન ગામના ચૌહાણ ફળિયામાં મીની પાઈપલાઈનના કામને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કામગીરીમાં ઓછી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કારણે પાણીની ટાંકી મૂકવા માટે બનાવવામાં આવેલું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. જેના કારણે ટાંકી પડી જવાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકાર દ્વારા ઘરે-ઘરે નળ મારફતે પાણી પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે, ત્યારે ચૌહાણ ફળિયામાં બે ઘરો વચ્ચે એક નળ આપવામાં આવ્યો હોવાના કારણે પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત, નળમાં નિયમિત અને પૂરતું પાણી પહોંચશે કે કેમ તે અંગે પણ લોકોમાં શંકા વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે મીની પાઈપલાઈનના સમગ્ર કામની તટસ્થ રીતે સ્થળ પર ચકાસણી કરવામાં આવે, વપરાયેલા મટીરિયલની ગુણવત્તા તથા કામગીરીની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ બહાર આવે તો જવાબદાર લોકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે.
લોકોએ સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાણીની યોજના હેઠળ થયેલા કામની ગુણવત્તા અને નિયમો મુજબની કામગીરીની તપાસ કરી લોકોને યોગ્ય અને કાયમી પાણીની સુવિધા મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.