

*આહવામાં નવરંગ યુવક મંડળના ગણેશ મહોત્સવમાં ભક્તિમય માહોલ*
*દસમા દિવસે પત્રકારો અને રાજકીય આગેવાનોએ આરતી ઉતારી; જાદુગર અભયના કાર્યક્રમમાં હજારો લોકોએ માણ્યો જાદુ*
*રિપોર્ટર;ઝાકિર ઝંકાર, આહવા, ડાંગ*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નવરંગ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દસમા દિવસે ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. ગણેશજીની આરતીમાં ડાંગ જિલ્લા ઉપરાંત તાપી જિલ્લાના પત્રકારો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજકીય આગેવાન આહવા તા.માજી પ્રમુખ નરેશભાઈ ગવળી ,દીપક પટેલ, સ્નેહલભાઈ ઠાકરે સહિત આગેવાનોએ પણ ગણેશ મંડળની મુલાકાત લઈ ભગવાન શ્રી ગણેશજીની આરતીમાં ભાગ લીધો હતો. તેમણે નવરંગ યુવક મંડળના આયોજકો અને કાર્યકરોને ગણેશ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગણેશ મહોત્સવના દસમા દિવસને યાદગાર બનાવવા માટે નવરંગ યુવક મંડળ દ્વારા ઇન્ટરનેશનલ વિજેતા જાદુગર અભયના જાદુના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાદુગર અભય દ્વારા વિવિધ જાદુઈ કરતબો રજૂ કરવામાં આવતા ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાદુના કાર્યક્રમને નિહાળવા માટે આહવા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં લોકોએ જાદુના કાર્યક્રમનો લાભ લઈ કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દર્શકોમાં ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો.
નવરંગ યુવક મંડળ દ્વારા ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની સાથે લોકો માટે મનોરંજન અને સામાજિક અને કોમી એકતાને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દસમા દિવસની આરતી તથા જાદુના કાર્યક્રમ સાથે ગણેશ મહોત્સવનો માહોલ વધુ ભક્તિમય અને ઉત્સવમય બન્યો હતો.