

*ડાંગના જામલાપાડા ગામે નવયુવાન અમરભાઈ ગાવિત દ્વારા ગણપતિ બાપાની ૧૧ દિવસ અદભુત અને અલગ-અલગ શૈલીમાં ઉજવણી.*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (જામલાપાડા),*
વઘઈ પંથક અને ડાંગ જિલ્લામાં આસ્થા અને ઉત્સાહ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડાંગના જામલાપાડા ગામના પ્રેરણાદાયી નવયુવાન અમરભાઈ ગાવિત દ્વારા વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરી આગવી અને અર્થસભર રીતે ૧૧ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી છે, જે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ ૧૧ દિવસીય મહોત્સવ દરમિયાન રોજ-બરોજ અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું:
પ્રથમ દિવસે ગામમાં શાસ્ત્રોક્ત વિધિ અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી.
બીજો દિવસે ગામના બાળકો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
ચોથો દિવસે ડાંગની લોક સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતી આપણી આગવી ડાંગી પાવરી (કાહાકર) નો કાર્યક્રમ યોજાયો.
સાતમો દિવસે મહારાષ્ટ્રથી પધારેલા જાણીતા ભજનિક ભાવેશભાઈ અને તેમની ટીમને ભજન કીર્તન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ સાથે બાળકો માટે મટકા ફોડ, લીંબુ ચમચી અને કેળા કૂદ જેવી મજેદાર રમત-ગમતોનું પણ આયોજન કરાયું હતું.
અગિયારમો દિવસે (વિસર્જન અને મહાપ્રસાદ): મહોત્સવની પૂર્ણાહુતિ પર ભવ્ય મહાપ્રસાદ (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાપસી, દાળ-ભાત અને શાકનો મહાપ્રસાદ ગામલોકોએ સાથે મળીને ગ્રહણ કર્યો હતો.
અમરભાઈ ગાવિતના આ સરાહનીય પ્રયાસથી ગામમાં ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો. ગામના યુવાનો અને વડીલોએ આ સફળ આયોજન બદલ અમરભાઈને અભિનંદન પાઠવ્યા હતા.