
*ડાંગમાં ધોરણ 10 અને 12નો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની સુવર્ણ તક*
*આહવા ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લામાં અધવચ્ચે અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) દ્વારા ધોરણ 10 અને 12નો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાની સુવર્ણ તક આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા GSOS હેઠળ ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીજ્ઞેશકુમાર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની તમામ શાળાઓને પાત્ર વિદ્યાર્થીઓ સુધી આ યોજનાની માહિતી પહોંચાડી તેનો લાભ અપાવવા સૂચના આપવામાં આવી છે.
30 નવેમ્બરે ખાસ પરીક્ષા
GSOS દ્વારા 30 નવેમ્બર 2026ના રોજ ખાસ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 સપ્ટેમ્બર 2026થી શરૂ થઈ ગયું છે, જ્યારે વિદ્યાર્થીઓ 6 ઓક્ટોબર 2026ની રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકશે.
વિદ્યાર્થીઓ પોતાની નજીકની શાળા અથવા સ્ટડી સેન્ટર મારફતે gseb.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થી પોતાની પસંદગીના વિષયો સાથે નજીકનું સ્ટડી સેન્ટર પસંદ કરી શકશે. જે શાળામાં અગાઉ અભ્યાસ છોડ્યો હોય ત્યાંથી પણ જરૂરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવી શકાશે.
રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો
રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થીનો ફોટો, સહી, આધારકાર્ડ, અગાઉની માર્કશીટ, જન્મનો દાખલો તથા સરનામાના પુરાવા જેવા દસ્તાવેજો જરૂરી રહેશે.
આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
GSOS હેઠળના રેગ્યુલર, રીપીટર અને પૃથ્થક વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજરાત બોર્ડને આધિન અન્ય બોર્ડના પાત્ર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.
ધોરણ 10 (SSC) માટે: કોઈપણ ધોરણ પાસ કરેલ અને 14 વર્ષથી વધુ ઉંમરના પાત્ર ઉમેદવારો અરજી કરી શકશે.
ધોરણ 12 (HSC) માટે: ધોરણ 10 પાસ કર્યા બાદ ઓછામાં ઓછો બે વર્ષનો ગેપ ધરાવતા પાત્ર ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
અધવચ્ચે અભ્યાસ છોડી દેનારા અને ફરીથી શિક્ષણ પૂર્ણ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ તક છે. પાત્ર વિદ્યાર્થીઓ સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ તારીખો:
📌 ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ: 22 સપ્ટેમ્બર 2026
📌 અરજી કરવાની છેલ્લી તારીખ: 6 ઓક્ટોબર 2026, રાત્રે 12 વાગ્યા સુધી
📌 ખાસ પરીક્ષા: 30 નવેમ્બર 2026