હિંમતનગરમાં પેટ્રોલ પંપ પર બે જૂથો વચ્ચે બબાલ, બેલ્ટ અને ધોકા જેવા હથિયારો સાથે સામસામે હુમલાનો પ્રયાસ
હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરુવારે રાત્રે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની વિગત: મળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે સહકારી જીન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કેટલાક વાહનચાલકો ઇંધણ પુરાવવા માટે આવ્યા હતા. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં થયેલી સામાન્ય તકરાર ધીમે ધીમે ઉગ્ર બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ, એક પક્ષના કેટલાક લોકો બેલ્ટ અને ધોકા જેવા હથિયારો લઈને સામેના પક્ષ પર હુમલો કરવા દોડી આવ્યા હતા. જેના કારણે પેટ્રોલ પંપ પર હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં પણ લોકોના ટોળાં એકત્રિત થયાં હતાં.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર સ્થળે આ પ્રકારે હથિયારો સાથે ધમાલ મચાવવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વો બેફામ બની જાહેર સ્થળોએ શાંતિનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આવા તત્વો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.મોઈદ ખાન