

*‘સેવા સંકલ્પ અભિયાન’: માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ડાંગના રાજ્ય ધોરીમાર્ગો પર સઘન ‘જંગલ કટિંગ’ ઝુંબેશ :*
–
*૫૦ થી વધુ શ્રમિકો, ૫ ગ્રાસ કટર અને ૨ ટ્રેક્ટરની મદદથી યુદ્ધના ધોરણે ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર ડાંગ આહવા*
રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લામાં માર્ગ સલામતી સુદ્રઢ કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), આહવા-ડાંગ દ્વારા કચેરી હસ્તકના તમામ રાજ્ય ધોરીમાર્ગો પર સઘન ઝુંબેશરૂપે ‘જંગલ કટિંગ’, ઝાડી-ઝાંખરા કાપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લો ડુંગરાળ અને વનવિસ્તાર ધરાવતો હોવાથી ચોમાસા દરમિયાન તેમજ ત્યારબાદ માર્ગોના વળાંકો અને માર્ગની બંને બાજુ કુદરતી રીતે પુષ્કળ પ્રમાણમાં ઝાડી-ઝાંખરા અને ઊંચું ઘાસ ઊગી નીકળે છે. જેના કારણે તીવ્ર તેમજ વળાંકો પર સામેથી આવતા વાહનો જોવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માત સર્જાવાની સંભાવના રહે છે. આ જોખમ નિવારવા માટે વિભાગ દ્વારા તમામ રાજ્ય ધોરીમાર્ગો પર સફાઈ અને કટિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ કામગીરીને વેગવંતી બનાવવા માટે ૫૦થી વધુ શ્રમિકો, ૫ આધુનિક ગ્રાસ કટર મશીન તેમજ ૨ ટ્રેક્ટર કામે લગાડવામાં આવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), આહવાના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણાના જણાવ્યા અનુસાર, માર્ગોની બંને બાજુની ઝાડીઓ કટિંગ કરવાથી રસ્તાઓ પર દ્રશ્યતા સુધરશે અને રોડ સેફ્ટીમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે સ્થાનિક વાહનચાલકો, પદયાત્રીઓ તેમજ ગિરિમથક ડાંગની મુલાકાતે આવતા પ્રવાસીઓની મુસાફરી વધુ સુરક્ષિત, સરળ અને અકસ્માતમુક્ત બનશે.