
*વઘઈ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ‘SP કનેક્ટ – Direct To SP Dang’ કાર્યક્રમ યોજાયો*
*વિદ્યાર્થીઓ સાથે એસ.પી. પૂજા યાદવનો સીધો સંવાદ; સાયબર ક્રાઈમ, નશા, ટ્રાફિક અને કારકિર્દી અંગે માર્ગદર્શન*
*વઘઈ, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અને યુવા વર્ગ વચ્ચે સીધો સંવાદ, પરસ્પર વિશ્વાસ અને સંકલન વધુ મજબૂત બને તે હેતુથી વઘઈ સ્થિત એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે ‘SP કનેક્ટ – Direct To SP Dang’ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ (IPS) ખાસ ઉપસ્થિત રહી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભવિષ્યની તકો તેમજ પોલીસ અને જાહેર સુરક્ષા સંબંધિત પ્રશ્નો નિઃસંકોચ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ વિભાગની કામગીરી, પોલીસ-પ્રજા વચ્ચેનો સંવાદ, પોલીસ સુધી પોતાની રજૂઆત પહોંચાડવાની પ્રક્રિયા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે પ્રશ્નો કર્યા હતા.
એસ.પી. પૂજા યાદવે વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સરળ અને વ્યવહારુ રીતે જવાબો આપ્યા હતા. સાથે જ પોલીસ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા પોલીસ અને યુવાનો વચ્ચે સંવાદ વધારવા અંગે વિદ્યાર્થીઓના સૂચનો અને અભિપ્રાયો પણ મેળવ્યા હતા.
આ દરમિયાન સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાની સાવચેતી, નશીલા પદાર્થોથી દૂર રહેવા ‘નો ડ્રગ્સ’ અંગે જાગૃતિ, ટ્રાફિક નિયમો તથા રોડ સેફ્ટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય અભિગમ અને કારકિર્દી ઘડતર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એસ.પી. પૂજા યાદવે જણાવ્યું હતું કે, “યુવાનો સમાજની મહત્વપૂર્ણ શક્તિ છે. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ થકી તેમની સમસ્યાઓ, અપેક્ષાઓ અને સૂચનો સમજવા મળે છે. પોલીસ અને યુવાનો વચ્ચે સતત સંવાદ અને સહકાર જળવાઈ રહે તો સુરક્ષિત અને જવાબદાર સમાજના નિર્માણમાં વધુ અસરકારક પરિણામો મેળવી શકાય છે.”
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર દ્વારા ડાંગ જિલ્લા પોલીસના સીધા સંવાદ અને સહભાગિતાના અભિગમને આવકારવામાં આવ્યો હતો.