

મકરસંક્રાંતિએ દયાપર પોલીસની સરાહનીય પહેલ
ટુ-વિલર વાહનો પર સેફટી કવચ લગાવી માર્ગ સલામતીનો સંદેશ
દયાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હરદીપસિંહ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ટુ-વિલર વાહન ઉપર પતંગના દોરથી બચાવ માટે આગળ સેફટી કવચ લગાવવામાં આવ્યા હતા.
મકરસંક્રાંતિ દરમિયાન રસ્તાઓ પર પતંગના તીખા દોરથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ઘણા પરિવારોએ પોતાના નાના બાળકોને પણ ટુ-વિલર વાહન ઉપર બેસાડીને મુસાફરી કરવી પડે છે, ત્યારે આવા દોરથી બાળકોના ગળા, ચહેરા અથવા હાથમાં ગંભીર ઇજા થવાની ભીતિ રહેતી હોય છે. આ સંજોગોમાં દયાપર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ માત્ર વાહનચાલકો નહીં પરંતુ નાના બાળકો માટે પણ રક્ષાકવચ સમાન સાબિત થઈ છે.
દયાપર પોલીસ સ્ટેશનની આ માનવતાભરી અને આગોતરી વિચારસરણીવાળી કામગીરી બદલ સમગ્ર લખપત તાલુકામાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે. લોકોનું કહેવું છે કે પોલીસની આવી સંવેદનશીલ પહેલો સમાજ માટે માર્ગદર્શક બને છે અને અન્ય વિસ્તારો માટે પણ અનુસરવા જેવી છે.
આ સરાહનીય પહેલ બદલ સમગ્ર લખપત તાલુકાના લોકો દયાપર પોલીસ સ્ટેશનને બિરદાવે છે અને આશા વ્યક્ત કરે છે કે આવી જાગૃતિસભર કામગીરીથી લોકો પણ માર્ગ સલામતી અંગે બોધ લે અને પોતાના તેમજ પરિવારના સુરક્ષિત જીવન માટે સતર્ક બને.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ન્યૂઝ બિયરો ચીફ
લખપત તાલુકા