
શ્રી ખારઈ પં. પ્રાથમિક શાળામાં ૭૭મો ગણતંત્ર દિન હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો
ખારઈ ગામ સ્થિત શ્રી ખારઈ પંચાયત પ્રાથમિક શાળામાં આજે ૭૭મા ગણતંત્ર દિનની ઉજવણી હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમનું સુચારૂ સંચાલન શિક્ષિકાઓ અફસાના રાયમા તથા તસ્લીમ પડ્યાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ભારત સરકારના શિક્ષા મંત્રાલયની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ફ્લેગશીપ યોજનાને વધુ વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે “દીકરીને પ્રણામ, દેશને નામ” કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જે અંતર્ગત આ શાળામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માટે ગામની દીકરીઓમાંથી સૌથી વધુ શિક્ષણ પ્રાપ્ત કરી અને હાલ ગામમાં વસવાટ કરતી દીકરી તરીકે પડ્યાર સમીના જુસબની પસંદગી કરવામાં આવી હતી. તેમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ગૌરવપૂર્ણ પ્રસંગ યોજાયો હતો.
કાર્યક્રમમાં અતિથિ તરીકે ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના અધ્યક્ષશ્રી, સમિતિના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન મહેશસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પધારેલ મહેમાનોની આભારવિધિ રીનાબેન ગેડીયા દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના ભૂલકા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ, શાળાના આચાર્યશ્રી તથા વિશેષ અતિથિ દિવ્યકાંતભાઈ ભારડ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતી પૂજાબેન એસ. માગરોળીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
બિયરો ચીફ લખપત તાલુકા