

લખપત તાલુકામાં પાણી અછત મુદ્દે સરપંચ સંગઠનની અરજી બાદ દયાપર ખાતે ધરણા, અધિકારીઓની ખાતરી બાદ સમાપ્તિ
લખપત તાલુકાના માતાનામઢ, કોટડામઢ, કઢોરા, ભાડરા, બેખડા, ચમારા, મીંઢીયારી સહિતના ગામોમાં છેલ્લા લાંબા સમયથી ચાલતી ગંભીર પાણી અછત બાબતે લખપત તાલુકા સરપંચ સંગઠન દ્વારા મામલતદાર કચેરી દયાપર ખાતે લેખિત અરજી રજુ કરવામાં આવી હતી. અરજીમાં છ માસથી પાણી પુરવઠો નિયમિત ન હોવા, મહિને માત્ર ચાર દિવસ પાણી આપવામાં આવતું હોવા તથા સરકારશ્રીની 24 કલાક પાણી પુરવઠાની જાહેરાત જમીન પર અમલમાં ન દેખાતી હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
અરજીનો યોગ્ય ઉકેલ ન આવતાં ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ તા. 30/01/2026 ના રોજ દયાપર પાણી પુરવઠા કચેરી ખાતે શાંતિપૂર્ણ ધરણું યોજ્યું હતું. આ ધરણામાં અંદાજે 200 જેટલા ગ્રામજનોએ હાજરી આપી પાણીની સમસ્યા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ધરણા દરમિયાન મામલતદાર સાહેબ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા સંબંધી એજન્સી દ્વારા ટૂંક સમયમાં પાણી સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવી લેખિત તથા મૌખિક ખાતરી આપવામાં આવી હતી, જેના પગલે ધરણું શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
આ ધરણામાં લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર, જિલ્લા પ્રવક્તા હુસેન રાયમા, સરપંચ સંગઠન પ્રમુખ કાસમભાઈ, કોટડા સરપંચ ઇબ્રાહીમભાઈ, માજી સરપંચ કાસમભાઈ, માજી સરપંચ આદમભાઈ તેમજ માતાનામઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
રિપોર્ટ: આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યુઝ – બ્યુરો ચીફ, લખપત તાલુકા