
જનતાના અવાજ અને વિપક્ષના આક્રમક તેવર સામે તંત્ર ઝૂક્યું; વર્ષોથી બંધ વધઈ-ભેડમાળ બસ સેવા આખરે શરૂ
ડાંગ : આહવા
ડાંગ: જિલ્લાના વધઈ તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગણાતા વધઈ થી ભેડમાળ જતી એસ.ટી. બસ સેવા છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં હતી. આ મામલે સ્થાનિકોએ સત્તાધારી પક્ષ પાસે અનેક આશાઓ રાખી હતી, પરંતુ નિરાશા સાંપડતા અંતે લોકોએ વિરોધ પક્ષના નેતૃત્વમાં પોતાની માંગ બુલંદ કરી હતી. જેનું સુખદ પરિણામ આવતા આજથી આ રૂટ પર બસ સેવા પુનઃ કાર્યરત કરવામાં આવી છે.
વિપક્ષની ધારદાર રજૂઆત: પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે લોકોની હાલાકીને સમજીને આ પ્રશ્ને મેદાનમાં ઉતર્યા હતા. તેમણે એસ.ટી. નિગમને લેખિતમાં રજૂઆત કરી સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો ટૂંક સમયમાં બસ સેવા શરૂ કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
તંત્રની પીછેહઠ: વિપક્ષના આક્રમક વલણ અને આંદોલનની ચીમકીને પગલે એસ.ટી. તંત્ર સફાળું જાગ્યું હતું. નિગમે લેખિતમાં ખાતરી આપ્યા બાદ આખરે બસ દોડતી કરી છે.
સત્તાધારી પક્ષ પર સવાલ: આશ્ચર્યની વાત એ છે કે આ જ વિસ્તારમાંથી જિલ્લા પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ જેવા દિગ્ગજ નેતાઓ આવતા હોવા છતાં વર્ષોથી આ સેવામાં કોઈ સુધારો થયો નહોતો.
જનતામાં ખુશી, પણ સત્તાધીશો સામે રોષ
બસ સેવા શરૂ થતા જ ભેડમાળ અને આસપાસના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. જોકે, સ્થાનિકોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, “જો વિપક્ષમાં રહીને મંગળ ગાવિત લોકોની આટલી ચિંતા કરી શકતા હોય, તો સત્તામાં બેઠેલા નેતાઓ કેમ કુંભકર્ણની નિદ્રામાં હતા?”
(બોક્સ ) “લોકોના હિત માટે લડવું એ અમારી ફરજ છે. તંત્રએ જનતાની સુખાકારી જોવી જોઈએ, નહીં કે આંદોલનની રાહ જોવી જોઈએ. આજે બસ શરૂ થઈ એ જનતાની જીત છે.”
— મંગળ ગાવિત (પૂર્વ ધારાસભ્ય, ડાંગ)