
*ધરતી બનશે સ્પોન્જ, પાક નહિ સડે: ચોમાસાની આફત સામે પ્રાકૃતિક ખેતીની ઢાલ*
……
*રાસાયણિક ખેતીથી કઠણ બનેલી જમીન વિરુદ્ધ પ્રાકૃતિક કૃષિનું વોટર મેનેજમેન્ટ અદ્વિતીય*
…..
*ખેતરોમાં પાણી ભરાઈ રહેવું અને પાકનું નુકસાન થવું એ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ વર્ષોથી થઈ રહેલી રાસાયણિક ખેતીનું પરિણામ છે*
…..
*ક્લાઈમેટ ચેન્જના પડકારો વચ્ચે અન્ન સુરક્ષા અને પર્યાવરણનો સમન્વય એટલે પ્રાકૃતિક ખેતી અપનાવીએ ખેડૂતો સાથે દેશને પણ સમૃદ્ધ બનાવીએ*
……
ચોમાસાની ઋતુ આવતા જ જગતનો તાત ખુશી સાથે ઉંડી ચિંતામાં ડૂબી જાય છે. “વરસાદ વધુ પડ્યો અને પાક સડી ગયો” આ વાક્ય હવે દર વર્ષે સાંભળવા મળે છે. પરંતુ વિજ્ઞાન અને પ્રકૃતિના નિયમો કંઈક અલગ જ વાર્તા કહે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવું અને પાકનું નુકસાન થવું એ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ વર્ષોથી થઈ રહેલી રાસાયણિક ખેતીનું પરિણામ છે. તેની સામે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત ઢાલ બનીને ઉભી રહી શકે તેમ છે.
*રાસાયણિક ખેતી: જમીનને પથ્થર બનાવતી પદ્ધતિ*
વધુ ઉત્પાદનની લાલચમાં વર્ષોથી ખેતરોમાં યુરિયા, ડી.એ.પી. અને અંધાધૂંધ જંતુનાશકોનો વપરાશ થયો છે. આ રસાયણોએ જમીનની કુદરતી રચનાને છિન્નભિન્ન કરી નાખી છે.રાસાયણિક ખાતરો જમીનમાં રહેલા સજીવોનો નાશ કરે છે, જેનાથી જમીન સ્પોન્જી એટલે કે પોચી રહેવાને બદલે પથ્થર જેવી કઠણ બની જાય છે.
*વોટર લોગિંગની વધતી સમસ્યા*
જમીન કઠણ થવાને કારણે વરસાદનું પાણી નીચે ઉતરી શકતું નથી. પરિણામે, પાણી ખેતરમાં જ ભરાઈ રહે છે, પાકના મૂળ શ્વાસ લઈ શકતા નથી અને છેવટે પાક સડી જાય છે.
*પ્રાકૃતિક કૃષિ: અળસિયાં જમીનના કુદરતી એન્જિનિયર્સ*
બીજી તરફ, પ્રાકૃતિક ખેતી જમીનને ફરીથી જીવંત કરવાનું કામ કરે છે. આ પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયાં અને સૂક્ષ્મ જીવાણુઓ પુનઃ જીવિત થાય છે. અળસિયાં જમીનમાં સતત ઉપર-નીચે અવરજવર કરીને હજારો છિદ્રો બનાવે છે. આનાથી જમીન અંદરથી પોચી અને ગળણી જેવી બને છે.
આમ, અળસિયાંવાળી જમીનમાં ગમે તેટલો ભારે વરસાદ પડે તો પણ પાણી આરામથી જમીનની અંદર ઉતરી જાય છે. પાણી ભરાવાની સમસ્યા નહિવત થઈ જાય છે અને પાક સડતો બચે છે.
*રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો મુખ્ય તફાવત*
જ્યારે આપણે રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીની સરખામણી કરીએ છીએ, ત્યારે જમીનનું બંધારણ અને તેની પાણી શોષવાની ક્ષમતામાં આભ-જમીનનો તફાવત જોવા મળે છે. રાસાયણિક ખેતી કરવાથી જમીનનું કુદરતી બંધારણ ખોરવાય છે અને તે પથ્થર જેવી સખત તથા બિન-છિદ્રાળુ બની જાય છે. આવી કઠણ જમીનમાં વરસાદી પાણી સપાટી પર જ ભરાઈ રહે છે અને નીચે ઉતરી શકતું નથી, જેને કારણે ચોમાસામાં પાકના મૂળ સડી જવાનું અને પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનું મોટું જોખમ ઊભું થાય છે. આ પદ્ધતિમાં વરસાદનું પાણી જમીનમાં ન ઉતરવાને કારણે ભૂગર્ભ જળના સ્તર પણ રિચાર્જ થઈ શકતા નથી.
તેની સામે, પ્રાકૃતિક ખેતી જમીનને એક નવું જીવન આપે છે. અળસિયાં અને જીવાણુઓના કારણે જમીન પોચી, સ્પોન્જ જેવી અને છિદ્રાળુ બને છે. આવી જીવંત જમીનની પાણી શોષવાની ક્ષમતા અદ્ભુત હોય છે, જેથી ગમે તેવો ભારે વરસાદ પડે તો પણ પાણી તુરંત જ જમીનમાં ઉતરી જાય છે. ખેતરમાં પાણી ભરાતું ન હોવાથી ચોમાસા દરમિયાન પણ પાક એકદમ સુરક્ષિત રહે છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કુદરતી વોટર સ્ટોરેજ તરીકે કામ કરે છે, જેનાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે છે અને કુવા-બોરમાં પાણીના તળ મજબૂત બને છે.
જો જમીન ઓછી હોય તો પણ જો તેમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે, તો તે સોનાની લગડી સમાન સાબિત થાય છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે,ક્યારેક કોરું ધાકોર તો ક્યારેક અતિવૃષ્ટિ. આવા સમયમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળવું એ માત્ર પર્યાવરણની રક્ષા નથી, પરંતુ ખેડૂતોની આર્થિક સલામતી અને દેશની અન્ન સુરક્ષા માટે પણ અનિવાર્ય બની ગયું છે.
HITESH PATEL
GANDHINAGAR