
*ડાંગના બેહડુન–ગૌહન માર્ગ પર પડેલા ખાડા સ્થાનિક યુવાનોએ પૂર્યા, બાંધકામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બેહડુનથી ગૌહન જતાં માર્ગ પર તાજેતરના વરસાદ બાદ મોટો ખાડો પડતાં અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. આ માર્ગ પર વાહનોની અવરજવર વધુ હોવાથી સ્થાનિક નવયુવાનોએ તંત્રની રાહ જોયા વિના પોતાની સામાજિક જવાબદારી સમજી ખાડામાં માટી ભરી તેને સમતળ કરી દીધો હતો.
યુવાનોની આ પહેલે ગામમાં લોકહિતના કાર્યો માટે સ્વયંપ્રેરિત બની આગળ આવવાનો ઉત્તમ સંદેશ આપ્યો છે. ગ્રામજનોએ તેમની કામગીરીને બિરદાવી છે.
બીજી તરફ, તાજેતરમાં જ બનેલા માર્ગ પર થોડા જ વરસાદમાં ખાડા પડી જતાં માર્ગના બાંધકામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા માર્ગ નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને કામગીરીની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.