

*ગોદડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની સીમા વટાવી: પ્રથમ વરસાદમાં જ લાખોના ખર્ચે બનેલો રસ્તો અને નાળું ધોવાયા, જનતાના પૈસાની ખુલ્લેઆમ લૂંટ!*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
ગોદડીયા, તા. વઘઈ, જિ. ડાંગ
તારીખ: ૧૮ જુલાઈ, ૨૦૨૬
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની ગોદડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આચરાયેલા ઘોર ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ચોમાસાના હજુ તો માત્ર પ્રથમ જ વરસાદમાં આ સરકારી કામના લીરેલીરા ઊડી ગયા છે. ગામના સ્થાનિક રહીશ કેસરભાઈ ચૌધરીના ઘર પાસે ખેડૂતોને ખેતરે જવા માટેનો મુખ્ય પાકો રસ્તો અને સરકારના લાખો રૂપિયાના આંધણ કરીને બનેલું નાળું પત્તાના મહેલની જેમ તૂટીને વેરવિખેર થઈ ગયું છે. જનતાની કમાણીના લાખો રૂપિયા ઠેકાણે પાડવા માટે કરાયેલા આ ‘લોટ, પાણી ને લાકડા’ જેવા તદ્દન હલકી ગુણવત્તાના કામને કારણે નાળાની વચ્ચે કદાવર ભૂવો પડી ગયો છે, જે કોઈ મોટી જાનહાનિને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોદડીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારના આ મુદ્દાઓ અગાઉ પણ સ્થાનિક મીડિયા અને પ્રેસ (Press) માં પ્રચંડ રીતે ગાજ્યા છે અને અખબારોમાં અહેવાલો પણ છપાયા છે. તેમ છતાં, તંત્રના બહેરા કાન સુધી હજુ કોઈ અવાજ પહોંચ્યો નથી અને ભ્રષ્ટ તત્વો બેફામ બનીને આવી નબળી કામગીરી કરી રહ્યા છે.
સ્થાનિક જાગૃત નાગરિકો અને રોષે ભરાયેલા ખેડૂતોએ આક્રોશ સાથે સીધો આક્ષેપ કર્યો છે કે, પંચાયતના નાકની નીચે જ કોન્ટ્રાક્ટરે મોટી મલાઈ તારવવા માટે અત્યંત હલકા સ્તરનું મટીરીયલ વાપર્યું છે. ચોમાસાની અને ખેતીની ચાલુ મોસમે જ ખેડૂતો માટે પશુઓ અને ટ્રેક્ટર લઈને જવાનો આ એકમાત્ર માર્ગ બંધ થઈ જતાં, ગરીબ ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામેનો કરવો પડી રહ્યો છે. ભ્રષ્ટ તત્વોની લાલચના કારણે આજે અન્નદાતા ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યો છે.
ઉગ્ર માંગણી: ગોદડીયા ગામના આક્રોશિત નાગરિકો અને અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર પાસે ખુલ્લી ચેતવણી સાથેની માંગ છે કે:
લાખો રૂપિયાના ટેક્સના પૈસાનો બગાડ કરનાર ભ્રષ્ટ અધિકારીઓ અને કાળાબજારીયા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ફોજદારી ગુનો (FIR) દાખલ કરી જેલભેગા કરવામાં આવે.
ભ્રષ્ટાચાર આચરીને જનતાના પૈસાની ઉચાપત કરનારાઓ પાસેથી જ આ નુકસાનીની પાઈ-પાઈ વસૂલ કરવામાં આવે.
કેસરભાઈ ચૌધરીના ઘર પાસે આવેલા આ મુખ્ય માર્ગ અને નાળાનું યુદ્ધના ધોરણે નવેસરથી અત્યંત મજબૂત કામ શરૂ કરવામાં આવે.
જો અગાઉ મીડિયામાં અહેવાલો આવ્યા છતાં અને આટલી રજૂઆતો પછી પણ આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને પંચાયતને તાળાબંધી કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.