
સુરત શહેરની મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) ના તબીબોએ તબીબી જગતમાં એક પ્રશંસનીય સફળતા મેળવી છે. હોસ્પિટલના તબીબોની અદભુત કોઠાસૂઝ અને સમયસૂચકતાને કારણે, ઓપરેશન દરમિયાન મરણતોલ સ્થિતિમાં પહોંચી ગયેલા એક ૨૩ વર્ષીય યુવકને સફળતાપૂર્વક નવજીવન આપવામાં આવ્યું છે.ઓપરેશન દરમિયાન હૃદય અને બ્લડ પ્રેશર શૂન્ય થયુંમળતી માહિતી અનુસાર, ૨૩ વર્ષીય યુવક પેશાબની નળીમાં રહેલી પથરીનું ઓપરેશન કરાવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો. સર્જરીની પ્રક્રિયા દરમિયાન અચાનક જ દર્દીની તબિયત લથડી હતી અને તેના હૃદયના ધબકારા તેમજ બ્લડ પ્રેશર (BP) શૂન્ય થઈ ગયા હતા. અંદાજે ૧૫ થી ૨૦ મિનિટ સુધી દર્દીનું હૃદય સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું, જેને તબીબી ભાષામાં ક્લિનિકલ ડેથ જેવી સ્થિતિ ગણી શકાય.તબીબોની ટીમે યુદ્ધના ધોરણે આપી સારવારઆ અત્યંત ગંભીર અને કટોકટીની ક્ષણે એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના નિષ્ણાત તબીબોએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. તબીબો દ્વારા દર્દીને સતત સીપીઆર (CPR) અને ઇલેક્ટ્રિક શોક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તબીબોની ભગીરથ મહેનત અને ત્વરિત નિર્ણયશક્તિના કારણે આખરે ૨૦ મિનિટ બાદ યુવકનું બંધ પડેલું હૃદય ફરીથી ધબકતું થયું હતું.૨૦ દિવસ આઈસીયુમાં સઘન દેખરેખહૃદય પુનઃ કાર્યરત થયા બાદ દર્દીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક આઈસીયુ (ICU) વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સ્મીમેર હોસ્પિટલના ડીન ડો. દીપક હોવલે, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જિતેન્દ્ર દર્શન અને સિનિયર આર.એમ.ઓ. (SR. RMO) ડો. જયેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની ૨૦ દિવસ સુધી સતત સઘન સારવાર અને કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવી હતી. આ લાંબી લડત બાદ યુવકની સ્થિતિમાં તબક્કાવાર સુધારો નોંધાયો હતો.પરિવારે માન્યો આભાર, હોસ્પિટલની કામગીરીની ચોમેર પ્રશંસાહાલ આ ૨૩ વર્ષીય યુવક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યો છે અને પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યો છે. હોસ્પિટલના ડીન ડો. દીપક હોવલે, સુપરિન્ટેન્ડેન્ટ ડો. જિતેન્દ્ર દર્શન અને સિનિયર આર.એમ.ઓ ડો. જયેશ પટેલ સહિત સમગ્ર મેડિકલ ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ દર્દીના પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સ્મીમેર હોસ્પિટલના તબીબોની આ અસાધારણ સફળતાને કારણે સરકારી સંસ્થાની તબીબી ક્ષમતા અને સમર્પણની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.