

*સુબિર તાલુકાના ઝરણ ગામે ૩૦ વર્ષ જૂની કોઝવેની સમસ્યાનો ઉકેલ લાવવા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે કરી સ્થળ મુલાકાત*
*રિપોર્ટર ઝાકિર ઝંકાર ડાંગ/સુબિર:*
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ ગામીતે ગ્રામજનોના વર્ષો જૂના પ્રશ્નો અને મુશ્કેલીઓને ધ્યાને રાખીને સુબિર તાલુકાના ઝરણ ગામે સ્થળ ચકાસણી હાથ ધરી હતી. ઝરણ ગામના શાંતિનગર ફળિયામાં છેલ્લા ૩૦ વર્ષથી કોઝવે (નાળું) ન હોવાને કારણે સ્થાનિકો અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જે પ્રશ્નના કાયમી ઉકેલ માટે પ્રમુખશ્રીએ રૂબરૂ જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મુખ્ય બાબતો:
શિક્ષણ પર માઠી અસર: કોતરડા પર કોઝવે ન હોવાના કારણે શાંતિનગર ફળિયાના આંગણવાડી તથા શાળાએ જતા ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન કોતર ઓળંગવામાં ભારે જોખમનો સામનો કરવો પડતો હતો, જેના લીધે તેમનો અભ્યાસ વારંવાર બગડતો હતો.
ખેડૂતો અને મજૂરોની હાલાકી: રોજિંદા ખેતકામ અને મજૂરી અર્થે જતા ગ્રામજનોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડતી હોવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.
ત્વરિત નિકાલની ખાતરી: ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને પ્રમુખશ્રી રાજેશભાઈ ગામીતે પોતે સ્થળ પર જઈને ચકાસણી કરી હતી અને આ ૩૦ વર્ષ જૂના પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવી કોઝવેનું નિર્માણ કરાવવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
ઉપસ્થિત હોદ્દેદારો અને આગેવાનો:
આ સ્થળ મુલાકાત વેળાએ સુબિર તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઈ પવાર, ભાજપ મંડળ પ્રમુખશ્રી વિનેશભાઈ ગાવીત, ડાંગ જિલ્લા પંચાયતના સભ્યશ્રી દિનેશભાઈ હીલીમ, ઉપપ્રમુખશ્રી રઘુનાથભાઈ સાવડે તેમજ મહામંત્રીશ્રી બુધુભાઈ કામડી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકપ્રશ્ન પ્રત્યે સર્વે આગેવાનોની સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.