

*ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આહવા શાખાની માનવતાભરી પહેલ: 200 જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટનું વિતરણ*
*ચોમાસાથી પ્રભાવિત, નિઃસહાય અને વિધવા પરિવારો સુધી ગામે-ગામે પહોંચશે સેવા અભિયાન*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર, આહવા (ડાંગ)*
આહવા, તા. ૪: ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદથી પ્રભાવિત તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો આપવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ડાંગ-આહવા શાખા દ્વારા માનવતાભરી પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત કુલ 200 જરૂરિયાતમંદ પરિવારોને રાહત સામગ્રીની કીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
આહવાની એકલવ્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ ડૉ. એ. જી. પટેલ તથા ડિરેક્ટર ઝાકિર ઝંકારના હસ્તે લાભાર્થીઓને રાહત કીટ અર્પણ કરવામાં આવી હતી. દરેક કીટમાં ડોલ, કિચન સેટ, ટુવાલ, સાડી તથા તાડપત્રી જેવી જીવનજરૂરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સેવા અભિયાનનો મુખ્ય હેતુ ચોમાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારો, નિઃસહાય લોકો, વિધવા બહેનો અને આર્થિક રીતે પછાત પરિવારો સુધી સમયસર જરૂરી સહાય પહોંચાડવાનો છે. કાર્યક્રમની શરૂઆત આહવાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મુલચોંડ, ભવાનદગડ, નડગખાડી, વઘઈ સહિતના વિસ્તારોમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં જિલ્લાના અન્ય ગામોમાં પણ આ અભિયાન વિસ્તારી વધુને વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદોની મદદ કરવી એ સાચી માનવસેવા છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હંમેશા માનવતાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજતી રહેશે.
રાહત સામગ્રીના વિતરણ કાર્યમાં ઝાકિર ઝંકાર સાથે સુમિત ડી. પટેલ, ગણેશભાઈ સહિતના સેવાભાવી કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. રાહત કીટ પ્રાપ્ત કરનાર લાભાર્થી પરિવારોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આ માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું.