

*ડાંગ: પિંપરીના ધુળચોંડ ગામે ભારે વરસાદથી નાળું તૂટતા અને રસ્તો ધોવાતા જીજ્ઞેશભાઈ સોલંકી દ્વારા DDO ને આવેદનપત્ર*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકા અંતર્ગત આવતી પિંપરી ગ્રૂપ ગ્રામ પંચાયતના ધુળચોંડ ગામના ટેમ્બરૂન ફળિયામાં ભારે વરસાદના કારણે રસ્તા વચ્ચે આવેલું નાળું સંપૂર્ણપણે તૂટી ગયું છે અને રસ્તો ધોવાઈ ગયો છે. આ ગંભીર સમસ્યા અંગે તંત્ર દ્વારા કોઈ ધ્યાને ન લેવાતા, આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશભાઈ જી. સોલંકી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) ને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
સંપર્ક વિહોણું બન્યું ટેમ્બરૂન ફળિયું:
હાલ ચાલી રહેલા ભારે વરસાદના કારણે ધુળચોંડ ગામના ટેમ્બરૂન ફળિયાના આદિવાસી પરિવારો, મહિલાઓ અને શાળાએ જતા બાળકોનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ફળિયા સુધી એમ્બ્યુલન્સ (૧૦૮) કે અન્ય વાહનો પહોંચી ન શકતા સ્થાનિકોની માનવ જિંદગી સામે મોટું જોખમ ઊભું થયું છે. અગાઉ પણ ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્રની ઉદાસીનતાના કારણે આજદિન સુધી રસ્તો ન બનતા આ આપત્તિજનક સ્થિતિ સર્જાઈ છે.
જીજ્ઞેશભાઈ સોલંકીની ઉગ્ર માંગણીઓ
વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પથ્થર, માટી-મેટલ કે હ્યુમ પાઈપ મૂકીને રાહદારીઓ તથા દ્વિચકી વાહનો માટે રસ્તો તુરંત ચાલુ કરવામાં આવે.
કાયમી ધોરણે નવું નાળું અને સી.સી. રસ્તો બનાવવા માટે ટેકનિકલ શાખા મારફતે સ્થળ મુલાકાત કરાવી તાત્કાલિક એસ્ટીમેટ તૈયાર કરવામાં આવે.
આ કામ માટે ચોમાસાની કુદરતી આપત્તિ રિપેરિંગ ગ્રાન્ટ કે નાણાપંચની ગ્રાન્ટમાંથી વહીવટી મંજૂરી આપી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.