

*ત્રિલોકેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ થી કાશી વિશ્વનાથ મંદિર બાંડીબાર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ*
આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પંથકમાં ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમથી કાશી વિશ્વનાથ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી
પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પંથકમાં એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક શિવભક્તો અને યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ ત્રિલોકેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ ખાતેથી પવિત્ર જળ ભરીને મોટી બાંડીબાર મુકામે આવેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધીની એક ભવ્ય કાંવડ યાત્રાનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિવેણી સંગમે પૂજન કરી યાત્રાનો પ્રારંભ
ત્રિલોકેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમના પવિત્ર ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે જળ પૂજન અને કાવડ પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં કાવડિયાઓએ કેસરીયા અને ભગવા વસ્ત્રો ધારણ કરી, પોતાના ખભા પર પવિત્ર જળથી ભરેલી કાવડ ઉઠાવીને રવાના થયા હતા. ડીજેના ભક્તિમય સૂર, ડમરુના નાદ અને ‘બમ બમ ભોલે’, ‘હર હર મહાદેવ’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર માર્ગ શિવમય બની ગયો હતો.
ત્રિવેણી સંગમથી લઈને મોટી બાંડીબાર સુધીના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર ગ્રામજનો દ્વારા કાવડ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રી કાવડિયાઓની સેવા માટે સ્થાનિક મંડળો દ્વારા ફરાળ, , ઠંડા પાણીની ઉત્કૃષ્ટ વ્યવસ્થા રાખવામાં આવી હતી. યુવાનો તેમજ અબાલ-વૃદ્ધ સૌ કોઈ શિવભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
કાવડ યાત્રા સમગ્ર મોટી બાંડીબાર માં ભ્રમણ કરી શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં તમામ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમથી લાવેલા પવિત્ર જળ વડે ભગવાન ભોળાનાથ પર શ્રદ્ધાપૂર્વક જળાભિષેક કર્યો હતો.
જળાભિષેક બાદ મંદિર પરિસરમાં દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પંથકની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અંતમાં ભક્તો માટે પ્રસાદ રૂપે ફરાળી નું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા મોટી બાંડીબાર ગ્રામજનો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
*રિપોર્ટર. હસમુખ પ્રજાપતિ બાંડીબાર*