Breaking News :દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના ૫૯મા પદવીદાન સમારોહનું આયોજન સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આ દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં હજારો વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.સુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ જોવા મળ્યો હતો. ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત, સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ડિજિટલ ફોર્મેટમાં ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ તેને તુરંત મેળવી શકે. આ ઉપરાંત કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી એનાયત કરાઈ હતી,દીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, “વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે”. તેમણે યુવાનોને રાષ્ટ્ર સેવા અને સામાજિક કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. મહાન કવિ નર્મદના જીવન સંઘર્ષને યાદ કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરીતિઓ અને અન્યાય સામે પોતાની કલમ ચલાવી હતી, તેમ આજના યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ વારસો તૈયાર કરવો જોઈએ.આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના ઉત્કૃષ્ટ વિચારો અને નૈતિક મૂલ્યોને પોતાના રોજિંદા જીવનમાં વણી લેવા માટે પ્રેરિત કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત વૈદિક પરંપરા અનુસાર મંત્રોચ્ચાર અને શંખનાદથી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના સત્તામંડળના સભ્યો, સિન્ડિકેટ સભ્યો, વિવિધ કૉલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Bureau Chief : Sumit Shukla