

*ડાંગ જિલ્લામાં વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશન દ્વારા ₹9.27 લાખથી વધુના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરાયો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ વઘઈ*
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વઘઈ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂ તથા બીયરના મુદ્દામાલનો નીકાલ કરવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડાંગ-આહવાના પોલીસ અધીક્ષક શ્રી પ્રીતિ યાદવ સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.આર.ડીમરી સાહેબના માર્ગદર્શન હેઠળ કોર્ટના હુકમ મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહીની મુખ્ય વિગતો:
વઘઈ પોલીસ સ્ટેશન: વર્ષ 2025 અને 2026 દરમિયાન નોંધાયેલા કુલ 16 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ 1513 નંગ બોટલ/ટીન, જેની કુલ કિંમત ₹2,60,602/- થાય છે.
સાપુતારા પોલીસ સ્ટેશન: વર્ષ 2025 અને 2026 દરમિયાન નોંધાયેલા કુલ 13 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ 4500 નંગ બોટલ/ટીન, જેની કુલ કિંમત ₹6,67,000/- થી વધુ (કુલ કિંમત ₹6,66,946/-) થાય છે.
કુલ મુદ્દામાલ: બંને પોલીસ સ્ટેશન મળીને કુલ ₹9.27 લાખથી વધુની કિંમતના દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ:
આ નાશ કરવાની સમગ્ર કાર્યવાહી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી (આહવા-ડાંગ) શ્રી યુ.વી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.આર. ડીમરી, નશાબંધી અને આબકારી અધીક્ષક શ્રી એ.એસ. પટેલ, મામલતદાર વઘઈ શ્રી એ.જે. ચૌહાણ, વઘઈ પી.આઈ. શ્રી એ.એ. ચાવડા તથા સાપુતારા પી.આઈ. શ્રી જે.કે. બારીયા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે નિયમાનુસાર જરૂરી પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથે નિયત સ્થળે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.