
*ડાંગની દીકરી કોમલબેન રાઠોડે પીએચડીની ડિગ્રી મેળવી*
*માલેગામની દીકરીની શૈક્ષણિક સિદ્ધિથી પરિવાર, ગામ અને સમાજનું ગૌરવ વધ્યું*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના માલેગામ ગામના વતની અને હાલ સાપુતારામાં રહેતા કોમલબેન રાઠોડે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી તેમણે પીએચડી જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે.
ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી વાયવા પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા બાદ કોમલબેન રાઠોડને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ છે.
કોમલબેને તેમના પીએચડી ગાઈડ ડો. રાજીવ પટેલના માર્ગદર્શન હેઠળ ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલ તાલીમો દ્વારા મહિલાઓનું સશક્તિકરણ – એક અભ્યાસ (વલસાડ જિલ્લાના સંદર્ભમાં)’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી ગુજરાત વિદ્યાપીઠમાં સુપ્રત કર્યો હતો.
તેમના સંશોધન કાર્ય અને પીએચડી અભ્યાસક્રમ દરમિયાન કોમલબેનને કેન્દ્ર સરકાર તરફથી રાજીવ ગાંધી નેશનલ ફેલોશિપ પણ એનાયત કરવામાં આવી હતી.
ગ્રામીણ પરિવારમાં ઉછરેલી કોમલબેને અનેક પડકારો વચ્ચે ઉચ્ચ અભ્યાસ પ્રત્યેની પોતાની ધગશ જાળવી રાખી અને પીએચડીની પદવી મેળવી છે. તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર અને માલેગામ ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર ડાંગ જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.
કોમલબેન રાઠોડની આ સફળતા ડાંગની અનેક યુવતીઓ અને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે. તેમની સિદ્ધિને પરિવારજનો, ગ્રામજનો અને સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.