

*ડાંગ જિલ્લાના ગલકુંડ આર્યુર્વેદ હોસ્પિટલ ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઇ :*
–
*આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં નિઃશુલ્ક તપાસ અને દવાઓનું વિતરણ કરાયું :*
–
*રિપોર્ટર ;ઝાકિર ઝંકાર,ડાંગ (ગલકુંડ)*
ડાંગ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા ડાંગ દ્વારા આયોજિત, આહવા તાલુકાના ગલકુંડ આર્યુર્વેદ હોસ્પિટલ ખાતે Ayurveda for a Healthier Tomorrowની થીમ પર, ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે આયુર્વેદનો મહિમા સમજાવી આયુર્વેદની દવાઓનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. સાથે જ શ્રી વિજયભાઇ પટેલે આયુર્વેદ દવાઓના ફાયદાઓ વિશે વિગતે માહિતી આપી લોકોને આયુર્વેદિક દવાઓનો ઉપચાર લેવાં જણાવ્યું હતું. સાથે વડીલોને આયુર્વેદનું જ્ઞાન યુવાઓને પણ સમજાવવા જણાવ્યું હતું.
આ કેમ્પમાં નાગરિકોને નિઃશુલ્ક તબીબી સેવાઓ તેમજ માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીની જનરલ ઓ.પી.ડી., ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ વગેરે રોગોની નિદાન-સારવાર, હરસ-મસા, ભગંદર અને ગુદામાર્ગના રોગોની સારવાર, કેન્સર, કિડનીના રોગો, ખેંચની બિમારીઓ, સ્ત્રીરોગો, ગર્ભિણી પરિચર્યા અને ગર્ભ સંસ્કાર, બાળરોગો અને સુવર્ણપ્રાશન સંસ્કાર વૃદ્ધાવસ્થાના રોગો, સાંધાના દુઃખાવા માટેની અગ્નિકર્મ, પંચકર્મ સારવાર, નાડી પરીક્ષણ જેવી સારવાર કરવામાં આવી હતી.
આરોગ્યપ્રદ જીવનશૈલી અને આયુર્વેદના લાભો મેળવવા માટે જિલ્લાના તમામ નાગરિકોને આ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા સરકારી આયુર્વેદ હોસ્પિટલ અધિકારીશ્રી ડો.દિગ્વેશ ભોયેએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શંકરભાઇ પવાર, ગલકુંડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઇ વાઘ, ઉપ સરપંચ શ્રી દિલીપભાઇ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ આયુષ ડોક્ટર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.