

*સાપુતારા ખાતે ‘શહીદોની ધરતીને સલામ’ કાર્યક્રમ યોજાયો, નિવૃત્ત આર્મી જવાનનું સન્માન*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (સાપુતારા)*
ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલા રમત સંકુલમાં તા. 1 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ‘શહીદોની ધરતીને સલામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશની રક્ષા માટે સેવા આપનાર વીર સૈનિકોના સન્માન અને તેમના યોગદાનને યાદ કરવાનો રહ્યો હતો.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના ગુંદીયા ગામના નિવૃત્ત આર્મી જવાન બંગાળ નારાયણભાઈ જામરૂભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. નારાયણભાઈએ ભારતીય સેનામાં 16 વર્ષ સુધી સેવા આપી હતી. તેઓ કોર સિગ્નલના વાયરલેસ વિભાગમાં તેમજ પોસ્ટ ડ્રાઈવર કમ મિકેનિક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
સેનામાંથી નિવૃત્તિ બાદ પણ નારાયણભાઈએ સમાજ અને ખેતી સાથે પોતાનું જોડાણ જાળવી રાખ્યું છે. તેઓ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. દેશસેવા બાદ પ્રાકૃતિક ખેતીને અપનાવી તેમણે ખેતી ક્ષેત્રે પણ યોગદાન આપ્યું છે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા રમતગમત અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ચેતનભાઈ ત્રિવેદી દ્વારા બંગાળ નારાયણભાઈનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વીર સૈનિકોની દેશસેવા પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દેશની સરહદોની સુરક્ષા માટે સેવા આપનાર સૈનિકોના યોગદાનને સમાજ સમક્ષ ઉજાગર કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં સન્માનની લાગણી જોવા મળી હતી.