

*ડાંગમાં ૧૦ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે બન્યું આશીર્વાદરૂપ: ભેંસના તૂટેલા શિંગડાની સફળ સર્જરી કરી જીવ બચાવ્યો*
*જામલા લોકેશનની ટીમે તાત્કાલિક સારવાર આપી સર્જરી કરી; પશુપાલક સહિત ગ્રામજનોએ ટીમનો આભાર માન્યો*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલા ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના (EMRI Green Health Services) ની ટીમે તત્પરતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામલા લોકેશન હેઠળના એક ગામમાં પશુપાલક વસંતભાઈ ગામિતની ભેંસનું શિંગડું ગંભીર રીતે તૂટી જતાં ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ સર્જરી કરી ભેંસનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભેંસનું શિંગડું તૂટી જતાં પશુપાલક વસંતભાઈ ગામિતે ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાનો સંપર્ક કર્યો હતો. જાણ મળતાં જ જામલા લોકેશન પર ફરજ બજાવતા ડો. વિશાલ અને પાઈલટ મહેન્દ્રભાઈ એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પશુની સ્થિતિ ગંભીર હોવાનું અને તાત્કાલિક સર્જરી જરૂરી હોવાનું જણાતાં અન્ય ટીમના ડો. અમિત અને પાઈલટ નરેશભાઈ પણ જોડાયા હતા. તબીબી ટીમે સંકલન સાથે ભેંસની જરૂરી સારવાર કરી તૂટેલા શિંગડાની સફળ સર્જરી હાથ ધરી હતી.
ટીમની સમયસૂચકતા, તાત્કાલિક સારવાર અને સઘન પ્રયાસોના પરિણામે ભેંસનો જીવ બચાવી શકાયો હતો. અંતરિયાળ વિસ્તારમાં પશુને સમયસર સારવાર મળતાં પશુપાલક વસંતભાઈ ગામિત અને ગ્રામજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.
આકસ્મિક પરિસ્થિતિમાં સમયસર અને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવા બદલ પશુપાલક વસંતભાઈ ગામિતે રાજ્ય સરકારના પશુપાલન વિભાગ, EMRI Green Health Services તથા સેવા આપનાર ડો. વિશાલ, ડો. અમિત, પાઈલટ મહેન્દ્રભાઈ અને પાઈલટ નરેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ જેવા અંતરિયાળ અને વનવિસ્તાર ધરાવતા જિલ્લામાં આવી મોબાઇલ પશુ સારવાર સેવા પશુપાલકો સુધી તાત્કાલિક આરોગ્યસેવા પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.