
જાફરાબાદ તાલુકામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના કાર્યક્રમનું આયોજન
ચાર સ્થળોએ ખેડૂતોને ડાયરેક્ટ પેમેન્ટ અંગે માર્ગદર્શન અને કાર્યક્રમ યોજાયો
જાફરાબાદ, તા. 30 ઓક્ટોબર, 2026
જાફરાબાદ તાલુકામાં આજે દેશના ખેડૂતોના હિતાર્થે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જાફરાબાદ તાલુકા ભાજપ સંગઠન તથા ખેતીવાડી શાખાના આયોજન હેઠળ તાલુકાના ચાર અલગ-અલગ સ્થળોએ યોજાયો હતો. જેમાં ટીંબી માર્કેટિંગ યાર્ડ, કરેણા-રોહિસા ગ્રામ પંચાયત, નાગેશ્રી માધવ આશ્રમ અને વડેરા ખાતે કોળી સમાજની વાડીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. યોજનાના લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થવાની પ્રક્રિયા સહિત યોજનાની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો, ગામોના સરપંચો, ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, ખેડૂત આગેવાનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચારેય સ્થળોએ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ખેડૂતો સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચે અને તેઓ યોજનાનો લાભ મેળવી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને આગેવાનો વચ્ચે યોજનાને લગતી માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.
