સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી નોંધાયો ૪૫.૬૭ મી.મી. વરસાદ :
–
વરસાદને કારણે કોઝ વે અને સ્લેબ ડ્રેઈન ઓવર ટોપિંગ થતા સાંજના ૪ વાગ્યાની સ્થિતિએ કુલ ૨૪ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા:
–
જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર : સૌને સાવચેત રહેવાની કરાઈ અપીલ :
ઝાકિર ઝંકાર આહવા: તા.૨૮
ડાંગ જિલ્લામાં તારીખ ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ને રવિવાર ના રોજ સવારના છ કલાકે થી સાંજના ૪ કલાકે પુરા થતા છેલ્લા ૧૦ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૫.૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ૧૦ કલાક દરમિયાન આહવા તાલુકામા ૩૭ મી.મી (મોસમનો કુલ ૨૬૫૦ મી.મી), વઘઇમા ૪૫ મી.મી (મોસમનો કુલ ૨૩૫૫ મી.મી), સુબીરમા ૫૫ મી.મી (મોસમનો કુલ ૨૨૬૯ મી.મી), મળી જિલ્લામા સરેરાશ ૪૫.૬૭ મી.મી (મોસમનો કુલ ૨૪૨૪.૬૭ મી.મી) વરસાદ નોંધાયો છે.
દરમિયાન આ લખાય છે ત્યાં સુધી, એટલે કે આજે સાંજના ૪ વાગ્યાંની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૨૪ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબીર તાલુકાના (૧) કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, (૨) હિંદળા થી ધૂડા રોડ, (૩) ચિખલી લવચાલી રોડ (૪) ઢોંગીઆંબા લહાનકસાડ મોટીકસાડ રોડ તથા આહવા તાલુકાનાં (૧) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ -1, (૨) ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, (૩) બારીપાડા ચિરાપાડા રોડ, (૪) ટાંકલીપાડા લહાનદભાસ મોટીદભાસ રોડ, (૫) ચીંચલી મહારદર રોડ, વઘઇ તાલુકાના (૧) ઘોડવહળ વી.એ. રોડ, (૨) આહેરડી બોરદહાડ રોડ, (૩) મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, (૪) માનમોડી બોંડારમાળ નિંબારપાડા રોડ, (૫) માછળી ચિખલા દિવડયાવન રોડ, (૬) વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, (૭) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, (૮) મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, (૯) સુસરદા વી.એ. રોડ, (૧૦) ચિખલદા વી.એ. રોડ, (૧૧) માછળી ખાતળ રોડ – 1, (૧૨) ઘાંગડી કાનાત ફળિયા રોડ, (૧૩) કાંચનપાડા થી સુરગાણા રોડ, (૧૪) કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, (૧૫) દગુનીયા વી.એ. રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે
જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
ડાંગ જિલ્લામા વરસાદની આગાહીને પગલે કલેક્ટર સુશ્રી શાલિની દુહાન સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્યમથક નહિ છોડવાની પણ સુચના આપવામા આવી છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમા ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામા ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનુ જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.
–