
સર્વોદય સહકારી બેંકના બોર્ડ રૂમમાં ‘રાજકીય મુલાકાતે’ પ્રશ્નાર્થ ઊભા કર્યા: બેંકની સ્વાયત્તતા સામે ઉઠ્યા સવાલો
સર્વોદય સહકારી બેંક જેવી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય નાણાકીય સંસ્થાના બોર્ડ રૂમમાં તાજેતરમાં રાજકીય પક્ષના આગેવાનોની હાજરીને પગલે સહકારી ક્ષેત્રમાં ભારે વિવાદ સર્જાયો છે. આ મુલાકાતને ભલે “શુભેચ્છા મુલાકાત” તરીકે રજૂ કરવામાં આવી હોય, પરંતુ બેંકના અત્યંત સંવેદનશીલ ગણાતા બોર્ડ રૂમમાં રાજકીય હસ્તક્ષેપને કારણે સંસ્થાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
મેનેજમેન્ટની ભૂમિકા અંગે બજારમાં ઉગ્ર ચર્ચા –
આ આખી ઘટનામાં બેંકના જવાબદાર વહીવટદારો અને મેનેજમેન્ટની ભૂમિકાને લઈને હાલ બજારમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું મેનેજમેન્ટની મૌન સંમતિ વિના આ પ્રકારની બેઠક શક્ય છે? એક વહીવટી વડા તરીકે તેમની પ્રાથમિક જવાબદારી બેંકને રાજકીય પ્રભાવથી દૂર રાખવાની છે, ત્યારે આ મુલાકાત પાછળના હેતુઓ સામે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
નિયમોનું ઉલ્લંઘન અને ગ્રાહકોમાં ચિંતા
સહકારી ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે બોર્ડ રૂમનો ઉપયોગ માત્ર બેંકના આર્થિક નિર્ણયો, લોન-નીતિ અને ઓડિટ જેવા મુદ્દાઓ માટે જ થવો જોઈએ. RBI અને સહકારી વિભાગના કડક સૂચનો હોવા છતાં, કોઈ સત્તાવાર એજન્ડા વગર રાજકીય નેતાઓની મહેમાનગતિ કરવી એ ગ્રાહકોના વિશ્વાસ સાથે ચેડાં સમાન હોઈ શકે છે. માર્કેટમાં ઉઠેલી ચર્ચા મુજબ, શું હવે બેંકના આંતરિક નિર્ણયોમાં રાજકીય પક્ષોનો પ્રભાવ જોવા મળશે?
અણીયારા સવાલો જેનો જવાબ જનતા ઈચ્છે છે-
શું સહકારી બેંકનો બોર્ડ રૂમ હવે રાજકીય અડ્ડો બની રહ્યો છે?
મેનેજમેન્ટ દ્વારા આ મુલાકાતને કયા નિયમ હેઠળ મંજૂરી આપવામાં આવી? શું આ બેઠકની કોઈ અધિકૃત નોંધ (Minutes of Meeting) રાખવામાં આવી છે ખરી? માર્કેટમાં ચાલતી ચર્ચા મુજબ, શું ભવિષ્યમાં બેંકના વહીવટી નિર્ણયો પર રાજકીય દબાણ વધશે? શું જવાબદાર સત્તાધીશો આ મામલે તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે? સર્વોદય બેંક સાથે જોડાયેલા હજારો નાના થાપણદારો અને સભાસદોના હિતોનું રક્ષણ થાય અને બેંકની વર્ષો જૂની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે જોવાની જવાબદારી હવે ઉચ્ચ વહીવટદારોની છે. આ ગંભીર મુદ્દે આગામી સમયમાં તપાસ થશે કે કેમ તેની પર સમગ્ર સહકારી આલમની નજર મંડાયેલી છે.
રિપોર્ટર ઈમરાન સાલેજી