
*કૃષિ પ્રગતિ એપ : ખેડૂત મિત્રોને ડિજિટલ રીતે સશક્ત બનાવતી આધુનિક પહેલ*
–
*કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા ખેડૂત મિત્રો ખેતીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએથી ઝડપથી અને સરળતાથી મેળવી શકે છે*
–
*ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આત્મા પ્રોજેક્ટ આહવા ખાતે એક તાલીમનું આયોજન કરી ખેડુતોને એપ્લીકેશન વિશે માહિતી આપી :*
–
*ડાંગ જિલ્લાના તમામ ધરતીપુત્રોને કૃષિ પ્રગતિ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૫:
ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ ‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂત મિત્રો ખેતીને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી એક જ જગ્યાએથી ઝડપથી અને સરળતાથી મેળવી શકે છે. પાકની વાવણીથી લઈને કાપણી સુધીના દરેક તબક્કે ખેતી આધારિત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય, રોગ અને જીવાતનું નિયંત્રણ થાય અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
‘કૃષિ પ્રગતિ’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા રાજ્યના ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતીનો વિકાસ કરી શકે છે. ખેતી મુખ્યત્વે બિયારણ, દવા, ખાતર, વાતાવરણ અને બજારભાવ જેવા પરિબળો પર આધારિત છે. ત્યારે ‘કૃષિ પ્રગતિ’ એપ્લિકેશન દ્વારા ઋતુ પ્રમાણે પાક પસંદગી, બિયારણ, વાતાવરણ અને બજાર ભાવ જેવી સ્થાનિક પરિસ્થિતિ અનુસાર માહિતી મળતી રહે છે. દૈનિક ખેતીકાર્યોની આવક-જાવક માટે સ્માર્ટ રેકર્ડ, જીવાત અને રોગની ઓળખ અને ઉકેલ, સિંચાઈના પાણીની જરૂરિયાત વિશે માહિતી, સાથેસાથે ખેડૂતો આ એપ મારફતે કમાન્ડ સેન્ટરના કૃષિ નિષ્ણાતો સાથે પણ વાત કરી શકે છે અને AI ચેટબોટ દ્વારા ખેતીલક્ષી માહિતી મેળવી શકે છે.
ડાંગ જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુભાઇ પટેલ દ્વારા જિલ્લાના ખેડુતો માટે એક તાલીમનું આયોજન કરી એપ્લીકેશન વિશે માહિતી આપી તમામ ખેડુતોને મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. આ તાલીમાં ખેડુતો સાથે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયા, શ્રી પ્રવિણ ભોયે, શ્રી હેમત પાવાગડી તેમજ આત્માનો સ્ટાફ હાજર રહ્યો હતો.
*એપ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય?*
ગુગલ પ્લેસ્ટોર અથવા આઈ-ફોન પર એપ સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
https://play.google.com/store/apps/details?id=com.krishi.pragati
ખેડૂત મિત્રો “કૃષિ પ્રગતિ” વ્હોટ્સએપ ચેનલ ફોલો કરીને ત્વરીત કૃષિ-વિષયક માહિતી મેળવી શકે છે. જેની લીંક https://www.whatsapp.com/channel/0029Vb5cHGdEgGfQDaXGOZ3B છે.
“કૃષિ પ્રગતિ” યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી કૃષિ-વિષયક માહિતીસભર વિડીયો નિહાળી શકે છે.
https://www.youtube.com/@krushipragatiagri
ડાંગ જિલ્લાના તમામ ધરતીપુત્રોને કૃષિ પ્રગતિ એપ્લીકેશન ડાઉનલોડ કરી એપ મારફતે ખેતીલક્ષી વિવિધ ફાયદાઓ મેળવવા ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
–