
પુર્વ કચ્છમાં દારૂબંધીની કડક અમલવારી કરવા એસપીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ગાંધીધામ, આદિપુર અને પુર્વ કચ્છમાં મળતા દારૂના સ્થળોની યાદી સાથે આવેદનપત્ર આપી આ અંગે સખ્ત કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી
પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો જનતા રેડ કરવામાં આવશે : ડો. કાયનાત અંસારી આથા
ગાંધીધામ : ગુજરાત રાજ્યમાં દારૂબંધી કાયદા અમલમાં હોવા છતાં, પૂર્વ કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દારૂનું ઉત્પાદન, સંગ્રહ, વહેંચાણ તથા વેચાણ થતું હોવાની માહિતી અમને સ્થાનિક જનતા દ્વારા સતત મળી રહી છે. આ બાબતના કારણે સમાજમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે તથા યુવાવર્ગ અને પરિવારો પર ગંભીર નકારાત્મક અસર પડી રહી છે. જેથી આજરોજ આમ આદમી પાર્ટી પુર્વ કચ્છના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા પુર્વ કચ્છ એસપીને દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદન આપી, જનતા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દારૂ વેંચાતો હોય તેવા સ્થળોની યાદી પણ પોલીસને સુપ્રત કરવામાં આવી હતી. પુર્વ કચ્છ એસપી હાજર ન મળતા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ડીવાયએસપીને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતું.
પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ એસપીને સંબોધીને આપેલા આવેદનમાં જણાવાયું છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે પુર્વ કચ્છમાં ઠેર ઠેર દારૂ ખુલ્લેઆમ વેંચાઇ રહ્યો છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આધોઇ અને ગાંધીધામમાં જનતા રેડ દ્વારા દારૂ પકડી પાડવામાં આવ્યો હતો અને જનતાને આહવાન કરવામાં આવ્યું હતું કે આપની આસપાસ જો દારૂ મળતો હોય તો તેની માહિતી અમોને આપી શકે છે. જેથી જનતા દ્વારા પ્રાપ્ત સ્થળોની માહિતિ આ આવેદનપત્ર દ્વારા પોલીસને આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી દારૂબંધીનો અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવશે.
આ પ્રસંગે પુર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથા, નીલેશભાઇ મહેતા, ગજરાજસિંહ, રાયશીભાઇ દેવરીયા, સંજયભાઇ સરીયાલા, રાજુભાઇ સોલંકી, ક્રિષ્નાબા જાડેજા, સુરેશભાઇ બારુપાલ ઉપસ્થિત રહ્યા હતા.