

રાષ્ટ્રીય મતદાતા દિવસ
આહવા ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ‘Citizen at the Heart of Indian Democracy’ ની ટેગલાઈન સાથે ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિવસ સરકારી વિજ્ઞાન કૉલેજ ખાતે ઉજવાયો
મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” પ્રતિજ્ઞાથી મતદાતાઓએ મતદાન માટે સંકલ્પ લીધો
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૫
ભારતના ચૂંટણી પંચના ૬૧મા સ્થાપના દિવસે, એટલે કે તા.૨૫મી જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ સદર્ભે આજરોજ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ‘માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ‘Citizen at the Heart of Indian Democracy’ ની ટેગલાઈન સાથે જિલ્લા કક્ષાના ૧૬મા રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૬’ (NVD-2026) ની ઉજવણી કરવામાં આવી હતી.
(National Voters Day) ઉજવણીનો સૌથી મોટો ઉદ્દેશ દેશના મતદારોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચનો (Election Commission of India) મુખ્ય ઉદ્દેશ્ય, દેશના તમામ મતદાન મથક વિસ્તારોમાં દર વર્ષે તા.૧લી જાન્યુઆરીએ ૧૮ વર્ષની વયે પહોંચેલા તમામ પાત્ર મતદારોની ઓળખ કરવાનો, અને તેમનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય તે સુનિશ્ચિત કરવાનો છે, તેમ કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટે જણાવ્યુ હતુ.
લોકશાહીના જતન, સંવર્ધન માટે યુવા મતદારોને જાગૃત થવાની હાંકલ કરતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક પણ મતદાર મતદાન વિના ન રહે તે જોવાની હિમાયત કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા સો ટકા મતદાન થાય તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે વધુમા વધુ મતદાન થાય તે આવશ્યક છે તેમ તેમણે જણાવ્યુ હતુ. ચૂંટણી મતદાનની પ્રક્રીયામા દરેક નાગરીક પોતાના હક્કથી વંચિત ના રહી જાય, ચૂંટણીઓ દરમિયાન ડાંગ જિલ્લામા વધુમા વધુ મતદાન કરવા દરેક નાગરીકોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી હતી.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે પાત્રતા ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ ન હોય તેવા તમામ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવે તથા, તેને મળેલા મતદાનના બંધારણીય હક્કનો અવશ્ય ઉપયોગ કરી, આવનાર સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની, પવિત્ર અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનું એક અભિન્ન અંગ બને તે સુનિશ્ચિત કરવાં શ્રી મેહુલ ખાંટે આ પ્રસંગે જણાવ્યુ હતુ. સાથે જ ડાંગ જિલ્લામાં ચાલી રહેલ SIR કામગીરી સદર્ભે સંકળાયેલા તમામ કર્મીઓના કામગીરીની સરાહના કરી હતી.
નોડલ અધિકારી સ્વિપ વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અંગે નો ખ્યાલ આપી, મતદારોને જાગૃત રહી મતદાન રહેવાની અપીલ કરી હતી. સાથે જ ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમ પ્રંસગે નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ મતદાર જાગૃતિ અંગે ની ટૂંકી ફિલ્મ નિહાળવામાં આવી હતી. સાથે જ મારો મત મારો અધિકારની નેમ વ્યક્ત કરતાં નવા મતદારોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.
બોક્સ
મતદારની પ્રતિજ્ઞા
અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.
આ પ્રંસગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ.કે.ખાંટ, નોડલ અધિકારી સ્વિપ વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદી, ઇન્ચાર્જ ચૂંટણી મામલતદાર શ્રી મિનેશભાઈ જી. ગાયકવાડ, ચૂંટણી નાયબ મામલતદાર શ્રી જીત ગૌતમ, સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્યશ્રી ડૉ. યુ.કે.ગાંગુર્ડે, સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ. એ.જી ધારિયા, તેમજ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ તેમજ યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
–