

મુંદરા એસ.ટી. ડેપોની ઘોર બેદરકારી
૧૦ વાગ્યાની બસ સવા કલાક મોડી ઉપડી, મુસાફરો ત્રાહિમામ
મુંદરા | ૧ ફેબ્રુઆરી ૨૦૨૬
મુંદરા એસ.ટી. ડેપોના પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંદરાથી ભુજ જતી એસ.ટી. બસ, જેનો નિર્ધારિત સમય સવારે ૧૦:૦૦ વાગ્યાનો હતો, તે સવા કલાકથી વધુ મોડે સવારે ૧૧:૧૫ વાગ્યે રવાના કરવામાં આવી હતી.
સવારે ૧૦ વાગ્યાથી બસની રાહ જોતા મુસાફરોને લાંબા સમય સુધી અનિશ્ચિતતા વચ્ચે ઊભા રહેવું પડ્યું હતું. એક જાગૃત નાગરિક દ્વારા રજૂ કરાયેલી ટિકિટમાં સમય ૧૧:૧૫:૩૯ સ્પષ્ટ જોવા મળે છે, જે ડેપોની લાપરવાહીને પુરવાર કરે છે. ટિકિટ નંબર ૧૮૨૧૧૧ હોવાનું જાણવા મળ્યું છે.
બસ મોડી પડવાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત એસ.ટી. બસોની જર્જરિત અને ખખડધજ હાલત પર પણ મુસાફરોએ સવાલો ઉઠાવ્યા હતા. બસ નંબર GJ-18 Z 4829 અને GJ-18 Z 8065ની હાલત અંગે રજૂ થયેલી તસવીરો તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
મુંદરાની જનતા સવાલ ઉઠાવી રહી છે કે આખરે ક્યાં સુધી આવી અવ્યવસ્થાનો શિકાર બનવું પડશે? શું ડેપો મેનેજર અને સંબંધિત અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરશે કે પછી સામાન્ય પ્રજા આમ જ હેરાન થતી રહેશે?
સ્થાનિક જાગૃત નાગરિકોનું કહેવું છે કે ધારાસભ્ય, સાંસદ તેમજ સ્વતંત્ર સેનાનીઓ માટે એસ.ટી. બસોમાં સીટો કન્ફર્મ રાખવામાં આવે છે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કરતા ન હોવાના કારણે એસ.ટી. વિભાગની વાસ્તવિક સ્થિતિ બહાર આવતી નથી.
આ બાબતે જાગૃત નાગરિક મજીદ સમા (મુંદરા) દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટ: આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી બિયરો ચીફ