

*108 સાપુતારા લોકેશનની એમ્બ્યુલન્સ ટીમે સમયસૂચકતાથી જોખમી પ્રસુતિ સફળ બનાવી*
ઝાકિર ઝંકાર :આહવા ડાંગ
સાપુતારા: તા. 09/02/2026
માલેગામ ગામ માટેનો ઇમરજન્સી કેસ મળતા 108 સાપુતારા લોકેશનની એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. 22 વર્ષીય જાગૃતિબેન જીગ્નેશભાઈ ગાયકવાડને પ્રસુતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, તે દરમિયાન સામગહાન–માલેગામ વચ્ચે તેમને અચાનક વધુ પીડા શરૂ થઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને ઈ.એમ.ટી. મિથુન પવાર અને પાઈલોટ અશોક દેશમુખે સમયસૂચકતા દાખવી એમ્બ્યુલન્સ રસ્તાની બાજુએ ઉભી રાખી સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવી હતી. પ્રસુતિ દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી તેમજ માતાને હાઈ બ્લડપ્રેશર અને પગમાં સોજાની તકલીફ હોવાથી માતા તથા બાળક બંનેના જીવને જોખમ હતો.
અમદાવાદ હેડ ઓફિસના ડૉ. રુચિ મેડમના માર્ગદર્શન હેઠળ જરૂરી ઇન્જેક્શન, દવાઓ તથા ઓક્સિજન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે માતા અને નવજાતને નજીકની સી.એચ.સી. સામ-ગાહન ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
મહિલાના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે 108ના ઈએમઈ શ્રી વિજય ગામીત તથા પીએમ શ્રી હેમંત સોલંકીએ ટીમને પ્રોત્સાહિત કરી સરાહના વ્યક્ત કરી હતી.