એરપોર્ટ રિંગ રોડ ઉપરના હેવી ટ્રાફિક મુદ્દે અગત્યની બેઠક
ભુજ: એરપોર્ટ રિંગ રોડ ઉપર વધી રહેલા હેવી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આજરોજ કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદશ્રી, ભુજ ધારાસભ્યશ્રી, જિલ્લા કલેક્ટર, પશ્ચિમ કચ્છના એસ.પી. તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે રોડનું સંપૂર્ણ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેવી વાહનોના આવન-જાવન માટે બે અલગ માર્ગ નિર્ધારિત કરવામાં આવશે, જેથી ટ્રાફિકનું ભારણ ઓછું થાય અને સામાન્ય જનતાને રાહત મળે.
તે ઉપરાંત 30 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા અમલમાં મુકાશે તેમજ 24 કલાક ટ્રાફિક નિયમન માટે 5 થી 6 મહત્વપૂર્ણ પોઇન્ટ પર આજ રાતથી જ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ અંગે ટ્રાફિક વિભાગના અધિકારીએ પશ્ચિમ કચ્છ એસ.પી.ની સૂચનાથી માહિતી આપી હતી.
સંબંધિત તમામ તંત્રોએ પ્રજાભિમુખ અભિગમ સાથે લોકોપયોગી કામગીરીમાં પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.
— રિપોર્ટ
આદમ નોતિયાર
ઇન્ડિયા ટીવી, ન્યુઝ લખપત