

ડાંગ જિલ્લાના આહવા ખાતે ભવ્ય વોલીબોલ ટુર્નામેન્ટ સંપન્ન, રેડ રાઈડર્સ યુએસએ એન્ડ યુકે બની વિજેતા
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : ડાંગ : આહવા
ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમના મેદાનમાં શનિવારે રાત્રે 8:00 વાગ્યે આમંત્રણ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્ય નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે રિબન કાપી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું અને પોતાના અનોખા અંદાજમાં ખેલપ્રેમીઓને સંબોધી ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો.
આ ટુર્નામેન્ટનું આયોજન રેડ રાઈડર્સ યુએસએ એન્ડ યુકે દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની તેમજ આસપાસના વિસ્તારોની અનેક ટીમોએ ભાગ લીધો હતો.
રોમાંચક અને કાંટાની ટક્કર બાદ રેડ રાઈડર્સ યુએસએ એન્ડ યુકે (જાદવ) ટીમે ઉત્તમ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. વિજેતા ટીમને ₹21,000 ની રોકડ રકમ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.
ઉપવિજેતા ટીમને ₹15,000 ની રોકડ રકમ તથા ટ્રોફી આપવામાં આવી. ઉપરાંત શ્રેષ્ઠ શૂટિંગ ખેલાડીને ₹2,000 અને ટ્રોફી, શ્રેષ્ઠ ડિફેન્સ ખેલાડીને ₹2,000 અને ટ્રોફી તેમજ સર્વોત્તમ નેટર ખેલાડીને ₹1,000 અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલ સાથે જિલ્લા સિંચાઈ અધ્યક્ષ હરિશભાઈ બચછાવ, ઉપસરપંચ હરિરામ સાવંત, સામાજિક કાર્યકર વિક્કીભાઈ (નીલમ ગેસ એજન્સી), પ્રવીણભાઈ આહીરે, અનિલ ભગરે, બંટીભાઈ બચછાવ, સંદીપ કોકણી, સિદ્ધાર્થ હીરે, સંજય પાટીલ, વિપુલભાઈ, વિજય ભોસલે સહિત અનેક આગેવાનો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને રમતગમત પ્રત્યે પ્રેરિત કરવાનો અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાનો હતો. સમગ્ર આયોજન દરમિયાન ઉત્સાહભર્યું અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું, તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.